આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: umreth police station place change

ઉમરેઠ પોલીસ સ્ટેશનની જગ્યા બદલવાની હિલચાલ..!


ધારાસભ્ય જયંત પટેલ (બોસ્કી)ની મુખ્યમંત્રીને રજૂઆત – નગરપાલિકાએ પોલીસ સ્ટેશન માટે ૮ માસ પૂર્વે બસ સ્ટેશન પાછળ જગ્યા ફાળવી હતી..!

ઉમરેઠ નગરમાં આવેલ પોલીસ સ્ટેશન નગરની બહાર કોઈ અન્ય સ્થળ ઉપર ખસેડવા માટે ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી) દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે લેખિત રજૂઆતની એક નકલ ડી.એસ.પી આણંદ તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીને પણ સુપ્રત કરવામાં આવી છે. વધુમાં ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી)એ રજૂઆતમાં જણાવ્યું છે કે, ઉમરેઠ પોલીસ સ્ટેશન નગરમાં ગીચ વિસ્તારમાં આવેલ છે જેથી લોકોને મુશ્કેલી પડે છે, જ્યારે ઉમરેઠ પોલીસ સ્ટેશન માટે નગર બહાર જ્ગ્યા ફાળવી પોલીસ સ્ટેશન નગર બહાર કાર્યરત કરવામાં આવે અને પ્રજાજનો ને રાહત થાય તે દીશામાં પગલા ભરવા ભલામણ કરવામાં આવી છે.

વધુમાં ધારાસભ્યની સદર રજૂઆતના પગલે નગરમાં મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે. ખાસકરીને વધારે લોકો ધારાસભ્યની આ રજૂઆતને લઈ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં ઉમરેઠ પોલીસ સ્ટેશન નગરપાલિકા કંપાઊન્ડમાં આવેલ છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનનું મકાન પણ હાલના જમાનાને અનુરૂપ તાલુકા કક્ષાના પોલીસ સ્ટેશનને છાજે તેવી તમામ વ્યવસ્થાથી સજ્જ છે, તાજેતરમાં નગરના સામાજિક સેવક દ્વારા પોલીસ સ્ટેશનના દ્વારનું રીનોવેશ પણ કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરી એકજ કંપાઊન્ડમાં હોવાથી પોલીસ કર્મીઓને ગુન્હેગારોને કોર્ટમાં હાજર કરવામાં પણ સુગમતા રહે છે ઉપરાંત પૈસા અને સમયનો પણ બચાવ થાય છે. જે કંપાઊન્ડમાં પોલીસ સ્ટેશન છે તે જ કંપાઊન્ડમાં નગરપાલિકા, ટ્રેઝરી ઓફિસ, તલાટીની કચેરી તેમજ કોર્ટ આવેલ છે જેથી અન્ય સરકારી કચેરીઓ પણ પોલીસ સ્ટેશન પાસે હોવાને કારણે લોકોને સુગમતા પડે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમાં કેટલાય વહેપારીઓના ધંધા રોજગાર પણ આ સરકારી કચેરીઓમાં અવર જવર કરતા લોકો ઉપર ચાલે છે જેથી જો પોલીસ સ્ટેશન હાલની જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે તો પોલીસ કર્મીઓ સહીત આજૂ બાજૂ દુકાન ધરાવતા વહેપારીઓ માટે પણ મુશ્કેલીરૂપ સાબિત થાય તો નવાઈ નહી. જેથી ઉમરેઠના ધારાસભ્ય પોતાની રજૂઆતને લઈ પૂનઃ વિચાર કરે તે ખૂબ જરૂરી છે.

પોલીસ સ્ટેશન બદલવાની નહિ , વધારવાની જરૂર..!

ઉમરેઠ પોલીસ સ્ટેશનની હાલની જગ્યા બદલવાની જગ્યાએ ઉમરેઠમાં એક પોલીસ ચોકી વધારવાની જરૂર નગરજનોને લાગી રહી છે. ઉમરેઠના બસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો હંમેશા સક્રીય રહે છે. ભૂતકાળમાં બસ સ્ટેશન વિસ્તારમાં ઉઠાંતરી સહીત ચીઝઝડપના કિસ્સા સાથે બેફામ પાર્કિંગની સમસ્યા છે જેથી ઉમરેઠના બસ સ્ટેશન પાસે તેમજ ઓડ ચોકડી પાસે પોલીસ ચોકી બનાવી નગરમાં લોકોને રાહત આપવાની દીશામાં ખરેખર પગલા ભરવાની વધારે જરૂર છે.

સુજલ શાહ – ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ

%d bloggers like this: