આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ – વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક – વાવણીલાયક વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી


ઉમરેઠમાં સવારે આઠ કલાકે શરૂ થયેલ વરસાદ આખરે બપોરે ૧ કલાકે બંધ થયો હતો. લગભગ પાંચ કલાક સુધી અવિરત વરસાદને કારણે ઉમરેઠ પંથકમાં ઠંડકતા પ્રસરી ગઈ હતી. સવાર થીજ વરસાદ શરૂ થયો હોવાને કારણે નગરના બજારો મોડા ખુલ્યા હતા જ્યારે બીજી બાજૂ બહારગામ શિક્ષણ અર્થે કે ધંધા-વહેપાર અર્થે બહારગામ જતા લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉમરેઠમાં સવાર સવારમાં પડેલા ધોધમાર વરસાદને કારણે કેટલાય બાળકો વરસાદમાં નાહ્વા નિકળી પડ્યા હતા અને વરસાદની મજા લીધી હતી. બીજી બાજૂ નિચાણવાળા વિસ્તારમાં વરસાદ લોકો માટે સજા સાબીત થયો હતો. ઉમરેઠમાં કેટલાક નીચા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નગરની દૂધ ની ડેરી બહાર પાણી ભરાઈ ગયું હતુ જેને પગલે આ રસ્તે થી વાહન લઈને કે પદયાત્રા કરી પસાર થવું મુશ્કેલી ભર્યું સાબીત થયું હતુ તેવીજ રીતે નગરના ખારવાવાડી વિસ્તારમાં ગણપતી મંદિર બહાર પણ તેવીજ પરીસ્થિતિ સર્જાઈ હતી અને આવા વિસ્તાર માંથી પસાર થતા બાઈક અને રીક્ષા ચાલકોના વાહનો બંધ થઈ ગયા હતા. ઉમરેઠ નગરમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થતા પાલીકા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે બુલડોઝર થી પાણી ના નિકાલમાં અડચન બનતા કચરાને દૂર કરવા કાર્યવાહી હાથધરી હતી. એકંદરે ઉમરેઠમાં લગભગ પાંચ કલાક સુધી વ્યવસ્થીત વરસાદ પડતા સ્થાનિકોમાં આનંદ ની લાગણી વ્યાપી હતી જ્યારે ખેડૂતો માટે પણ વાવણી લાયક વરસાદ હોવાને કારણે ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

ઉમરેઠમાં વીજ પુરવઠો અડીખમ…!
સામાન્ય રીતે વરસાદના છાંટા પડે તોય ઉમરેઠમાં વીજ પૂરવઠો ખોરવાઈ જતો હોય છે પણ આજે સવાર થી લગભગ પાંચ કલાક સુધી સતત વરસાદ વરસતો રહ્યો હોવા છતા પણ ઉમરેઠમાં એક પણ વખત વીજ પુરવઠો ખોરવાયો ન હતો જેને પગલે નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.