આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં ગર્ભવતી મહિલાને આરોગ્ય કેન્દ્રની નર્સે એક્સપાયર થયેલ દવા પધરાવી..!


  • ભૂલ કબુલવાને બદલે દવા બજાર માંથી ખરીદી હશે કે જૂની દવા વાપરવાનો આક્ષેપ..!

ઉમરેઠ પંથકના ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયર થયેલ દવાનું વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ઉમરૅઠ પાસેના સુંદલપુરા આરોગ્ય કેન્દ્ર તાબે આવતા અમીદાસપુરામાં આરોગ્ય કેન્દ્રની બહેનો દ્વારા એક્સપાયર દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં એક ગર્ભવતી મહિલા છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય કેન્દ્ર ઉપરથી દવા મેળવતી હતી ત્યારે હાલમાં પણ આ મહિલાએ આરોગ્ય કેન્દ્ર ઉપરથી દવા લેતા અચાનક દવા ગળ્યા પછી દૂઃખાવો ઉપડ્યો હતો અને મહિલાને ગભરામન થઈ હતી જેથી આ અંગે મહિલાએ પોતાના પતિને જાણ કરતા તેઓએ છેલ્લે લીધેલી દવાઓ જોતા દવાઓ પૈકી એક દવા એક્સપાયર થઈ ગયેલી હોવાનું માલુમ પડ્યું હતું ત્યારે આ વ્યક્તિએ દવાની ખરાબી અંગે આરોગ્ય કેન્દ્ર ઉપર ફરજ બજાવતી નર્સને જાણ કરી હતી ત્યારે ભુલ સ્વિકારવાને બદલે આ નર્સ દ્વારા પીડીત પરિવાર ઉપર દવા બજાર માંથી લાવ્યા હશો કે જૂની દવા વાપરતા હશો તેવો આક્ષેપ કર્યો હતો.

આરોગ્ય કેન્દ્ર ઉપર મળતી દવાઓ ઉપર સ્પષ્ટ કરેલ હોય છે કે જે તે દવા માત્ર આરોગ્ય કેન્દ્ર ઉપર જ મળે છે અને તે બજારમાં ક્યાંય પ્રાપ્ય હોતી નથી, ત્યારે આવા સમયે ફરજ ઉપરની નર્સ દર્દી ઉપર બજાર માંથી દવા લાવ્યાનો આક્ષેપ કરે તે કેટલા અંશે વ્યાજબી છે. આરોગ્ય કેન્દ્ર ની દવાઓ જો બજારમાં ખરેખર વેચાતી હોય તો જવાબદાર કોણ છે..? તેનો જવાબ પણ આ નર્સ આપે તે જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો જરૂરી દવા મેળવી શકે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે પરંતું આરોગ્ય કેન્દ્ર ઉપર બેજવાબદારી થી ફરજ નિભાવતા અધિકારીઓને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોનું સ્વાસ્થય જોખમમાં મુકાઈ રહ્યું છે. ત્યારે આરોગ્ય તંત્ર આવા અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહિ કરે તે જરૂરી છે.

તાજેતરમાં જૂનાગઢમાં માસુમ બાળકોને તંત્રની ભૂલથી એચ.આઈ.વી પોઝીટીવ બ્લડ ચઢાવવામાં આવ્યું હતું. તંત્રની આ ભૂલને કારણે હવે આ ભૂલકાઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયેલ છે ત્યારે હવે, ઉમરેઠ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં એક્સપાયર થયેલ દવાનું વિતરણ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના સ્વાસ્થયને લઈ ચિંતામાં મુકાઈ ગયા છે. આ મામલો પ્રકાશમાં આવતા હવે ગ્રામ્યજનો દેવું કરીને ઉમરેઠમાં ખાનગી ડોક્ટરો પાસે પોતાની સારવાર કરવાનું મન બનાવી રહ્યા છે. ત્યારે ગરીબો માટે ખોલવામાં આવેલા આરોગ્ય કેન્દ્ર ઉપરથી ગરીબોનો વિશ્વાસ ઉઠી જાય તે પહેલા લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તે જરૂરી છે.

વધુમાં ગ્રામ્યજનોએ આરોગ્ય કેન્દ્ર ઉપર ફરજ બજાવતી નર્સના તુમાખી ભર્યા અભિગમ અને એક્સપાયર થયેલ દવા દવાના વિતરણ અંગે આરોગ્ય કેન્દ્રના ર્ડોક્ટરશ્રીને જાણ કરી હતી ત્યારે ર્ડોક્ટરે આ અંગે યોગ્ય તપાસ કરી ભવિષ્યમાં આવી ભૂલ નહી થાય તેવી તેઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને સમગ્ર મામલો ઠંડો પાડવામાં આવ્યો હતો.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.