આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: વાંચકોની વાત..

ભગવદ્ગોમંડલને ડિજિટાઇઝ કરી તેની વેબ આવૃત્તિ રજૂ કરનાર શ્રી રતિલાલ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકાનું અવસાન


ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ, લોકકોશના સ્થાપક અને ભાષાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકા જેઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના સંપર્કમાં આવતાં દરેક લોકોને માટે એક પ્રેરણાસ્રોત સમાન રહ્યા છે તે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી. વિજયાદશમીને દિવસે જન્મેલા રતિકાકાએ વિજયાદશમી (13 ઑક્ટોબર 2013)ને જ પોતાના જીવનનું અંતિમ બિંદુ બનાવ્યું છે. રતિકાકા એક જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા.

શ્રી પ્રેમચંદ ચંદરયા અને શ્રીમતી પૂંજીબહેન ચંદરયાના પનોતા પુત્ર શ્રી રતિલાલ ચંદરયાનો જન્મ 24 ઓક્ટોબર, 1922ના થયો હતો. પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે નૈરોબી અને મોમ્બાસામાં લીધું હતું. શૈક્ષણિક કાળ દરમ્યાન તેઓ યુવા પ્રવૃત્તિઓ, રમતગમત, યોગવિદ્યા વગેરે પ્રવૃત્તિમાં સક્રિય રીતે જોડાયેલા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ જૈન યુથ લીગ, નૈરોબીના એક સભ્ય હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સપરિવાર તેમણે ભારતમાં સ્થળાંતર કર્યું. આ સમયગાળા દરમ્યાન પોતાનો અભ્યાસ ચાલુ રાખવાને બદલે તેમણે પરિવારના પરંપરાગત વ્યવસાયમાં જોડાવવાનું નક્કી કર્યું. ભારતમાં તેમણે ઘણાં નવાં ઔદ્યોગિક સાહસોની સ્થાપના કરી અને પોતાની દૂરંદેશી અને સૂઝબૂઝથી આયાત–નિકાસનો ધંધો વિકસાવી તેનું વિસ્તરણ પણ કર્યું.

નૈરોબીમાં જન્મેલાં વિજ્યાલક્ષ્મીબહેન સાથે તેમનાં લગ્ન, ઈ.સ. 1943માં જામનગર મુકામે થયાં. એક પુત્રી, ત્રણ પુત્રો અને આઠ પૌત્ર–પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓનો બહોળો પરિવાર તેઓ ધરાવે છે. 1946માં તેઓ નૈરોબી પાછા ફર્યા અને સક્રિય રીતે પોતના વ્યવસાયમાં જોડાયા અને વ્યાવસાયિક કારણોસર તેઓ અવારનવાર પૂર્વ અને મધ્ય આફ્રિકાની સફર ખેડતા રહ્યા. તેમની પચાસીના શરૂઆતના વર્ષોમાં તેમના પરિવારજનોએ કેન્યા અને બીજા દેશોમાં વ્યાવસાયિક વિસ્તરણ કરવાનો રસ દાખવ્યો. તેમણે 1960માં દાર-એ-સલામમાં વસવાટ કર્યો અને ત્યારબાદ 1965માં યુરોપીય દેશોમાં વ્યાપારના વિસ્તરણ માટે લંડન ખાતે વસવાટ કર્યો. લંડનના વસવાટ દરમ્યાન અમેરિકામાં ધંધાકીય શક્યતાઓ તેમણે ચકાસી. દક્ષિણ-પૂર્વ એશિયામાં ધંધાકીય વિસ્તરણ કરવા માટે સિંગાપોરમાં તેમણે 1975માં વસવાટ કર્યો તે પહેલાં ટૂંકા ગાળા માટે તેઓ જીનીવા રહ્યા હતા. સ્થાનાંતરણ અને વિસ્તરણના સમગ્ર ગાળા દરમ્યાન તેઓ એક સશક્ત ઉદ્યોગસાહસિક તરીકે ઊભરી આવ્યા અને તેમણે વિવિધ ખંડો અને દેશોમાં પોતાની પારિવારિક મૂડી અને સંપત્તિનું રોકાણ કર્યું.

વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય તેઓ છેલ્લાં 65 વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે મહાત્મા ગાંધી એવોર્ડસ, ભારતીય જીમખાના, જૈન સેન્ટર, જૈન ફેલોશીપ સેન્ટર વગેરેમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. સમાજના પુનુરુત્થાન માટેની પ્રવૃત્તિઓ માટે પોતાનો સમય અને બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવાના તેઓ હંમેશાં હિમાયતી રહ્યા છે.

આ સિવાય તેમનું પ્રદાન નીચે જણાવેલી અન્ય સંસ્થાઓમાં પણ રહ્યું છે :

 • 1972માં તેઓ યુગાન્ડામાંથી નિર્વાસિત લોકોના કલ્યાણ માટે નિર્મિત એમ્પ્લોયમેન્ટ વર્કિંગ પાર્ટી ઑફ કો–ઓર્ડિનેટિંગ કમીટીના એક સભ્ય હતા.
 • 1972માં ભારતીય વિદ્યા ભવનની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે નિમાયા.
 • 1973માં તેઓ બે વખત ઓશવાલ એસોશિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા
 • ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના વાઇસ ચેરમેન પદેથી તેઓ 1975માં રિટાયર્ડ થયા ત્યાં સુધી ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના તેઓ જનરલ સેક્રેટરી, ચેરમેન તરીકેની ફરજો નિભાવી છે
 • ઈ.સ. 1980માં સંગમ, એસોશિયેશન ઑફ એશિયન વુમેનના ટ્રસ્ટી.
 • 1982માં ભારતીય જીમખાનાના ટ્રસ્ટી અને 1985માં તેના ચેરમેન બન્યા.
 • ડિસેમ્બર 1991માં ભારતીય તહેવારો ટ્રસ્ટના ટ્રસ્ટી અને તહેવાર કમિટીના મેમ્બર બન્યા.
 • એસોશિયેશન ઑફ એશિયન ઇન યુકેના ફાઉન્ડર ચેરમેન
 • ઓશવાલ એસોશિયેશન યુકેના ચેરમેન અને બોર્ડ ઑફ ટ્રસ્ટી તરીકે બે વખત ચૂંટાયા
 • ‘ઇન્ટરનેશનલ ફોરમ ઑફ ઓવરસીઝ ઇન્ડિયનસ’ના સ્થાપક
 • ‘ઇન્ડિયન સ્પોર્ટસ અને ફિઝિકલ ફાઉન્ડેશન’ના સ્થાપક ટ્રસ્ટી
 • ‘ઇન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજી, લંડન અને અમદાવાદ’ના સ્થાપક અને ચેરમેન
 • ‘ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ, લંડન’ના ટ્રસ્ટી
 • પાલીતાણા ખાતે આવેલ ‘ઓશવાલ યાત્રિક ગૃહ’ના ટ્રસ્ટી.
 • જામનગર સ્થિત ‘હાલારી વિશા ઓશવાલ દેરાસર ટ્રસ્ટ’ના ટ્રસ્ટી

ગુજરાતી ભાષાના સ્રોત તરીકે રજૂ કરવામાં આવેલ ગુજરાતીલેક્સિકોનના સ્થાપક તરીકેની તેમની ઓળખ સૌથી વધુ પ્રચલિત છે. ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની તેમને આ પ્રકલ્પ સુધી લઈ આવી અને માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય તેની પાછળ આપ્યો છે. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને રુચિ ધરાવનારા લોકો માટે ગુજરાતીલેક્સિકોનને એક સેતુ સમાન બનાવવાની મહેચ્છા દાખવતા હતા. તેમની ભાષા માટે કંઈક કરી છૂટવાની ઘેલછા અને ઉત્સાહની મહેંક આજે વિવિધ ખંડો અને સંસ્થાઓમાં પ્રસરી ચૂકી છે. 13 જાન્યુઆરી 2006ના દિવસે ગુજરાતી ભાષાના સૌથી મોટા પોર્ટલ તરીકે ગુજરાતીલેક્સિકોનની રજૂઆત થઈ. સમયાંતરે સરસસ્પેલ ચેકર, ભગવદ્ગોમંડલ, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ, રમતો, બાળકો માટેની રમતો અને મોબાઇલ એપ્લિકેશન વગેરે વિભાગો થકી ગુજરાતીલેક્સિકોન વધુ સમૃદ્ધ બન્યું. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સીડેક અને બીજી અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને ગુજરાતીભાષાના પ્રચાર અને પ્રસારના ઘણા પ્રકલ્પોમાં ગુજરાતીલેક્સિકોને પોતાનો ફાળો આપ્યો છે. તેમણે ગુજરાતીભાષાના ઐતિહાસીક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલને ડિજિટાઇઝ કરી તેની વેબ આવૃત્તિ ભાષા પ્રેમીઓ માટે રજૂ કરી છે. યુએસ કૉગ્રેસ ફેડરલ લાઇબ્રેરીના કેટલોગમાં ગુજરાતી ભાષાના સીમાચિહ્ન રૂપી કાર્ય તરીકે આ વેબ આવૃત્તિને સ્થાન આપવામાં આવ્યું છે.

એક સફળ અને સશક્ત ધંધાકીય સાહસના સ્થાપક શ્રી રતિકાકાનું જીવન કોઈપણ વ્યક્તિને પ્રેરણા પૂરી પાડનારું રહ્યું છે. તેમણે તેમના જીવનમાં ઘણાં મોટા લક્ષ્યાંકો અને સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના સમકાલીન લોકો અને મિત્રો હંમેશાં તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા રહ્યા છે. તેઓ તેમની પાછળ એક સમૃદ્ધ વારસો મૂકતા ગયા છે.

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા

ગુજરાતીલેક્સિકોન માંથી આભાર સહ…

ઘૂમે તેનો ગરબો… ને ઝૂમે તેનો ગરબો….


ધૂમે તેનો ગરબો..અને ઝુમે તેનો ગરબો, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી રચીત ઉપરોક્ત ગરબાની લાઈનો ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં ગરબા મહોત્સવ-૨૦૧૩ દરમ્યાન સાર્થક બની હતી. ગતરોજ થામણા ગામે યોજાયેલ ગરબામાં યુવાધન સહીત ગામના સિનિયર સિટીઝન ફોરમના સભ્યો પણ ભારે ઉત્સાહથી જોડાયા હતા. આ અંગે ગરબે ઝૂમતા કેટલાક સિનિયર સિટીઝન ફોરમના સભ્યોએ જણાવ્યું હતુ કે, ગરબા ઉપર માત્ર યુવાધનનો જ ઈજારો નથી અમે પણ ઉત્સાહ અને ઉમંગભેર માતાજીના પર્વ નિમિતે ગરબે ઘૂમવાનો દિવ્ય આનંદ લઈયે છે. થામણામાં સિનિયર સિટીઝનને ગરબે ઝૂમતા જોઈ યુવાનો અને યુવતિઓમાં પણ અનેરો જોશ આવી ગયો હતો, અને ગરબામાં માતાજીની આરાધના સાથે સૌ કોઈ સાથે મળી ગરબે ગુમ્યા હતા…! અત્રે ઉલ્લેખનીય છે કે, થામણા સિનિયર સિટીઝન ફોરમ દ્વારા દર વર્ષે ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને તેઓના આયોજનમાં માત્ર સિનિયર સિટીઝન ફોરમના સભ્યો જ નથી પણ સમગ્ર થામણાના લોકો ઉત્સાહભેર જોડાય છે. ((ફોટો – પિનાક સ્ટુડિયો, ઉમરેઠ))

ગૌરીવ્રતના જવારા તૈયાર લાવવાનો ટ્રેન્ડ..!


 

ગૌરીવ્રતમાં પુજા કરવા માટે યુવતિઓ હવે જવારાની તૈયાર ટોપલીઓ બજાર માંથી ખરીદ કરતી થઈ ગઈ છે, જ્યારે પહેલા પરંપરાગત રીતે ગૌરીવ્રતના આઠ દશ દિવસ પહેલા યુવતિઓ વાંસની નાની ટોપલી ખરીદી તેમા છાણીયું ખાતર નાખી જવારા જાતેજ ઉછેરતી હતી તેઓના આ કાર્યમાં ઘરની અન્ય મોટી મહિલાઓ પણ સાથ સહકાર આપતી હતી. પરંતુ હાલમાં ફાસ્ટ યુગમાં છાણીયું ખાતર કે ટોપલી શોધવા જવાનો સમય કોઈ પાસે નથી જેથી બહારમાં તૈયાર ઉછેરેલા જવારા મળતા થઈ ગયા છે. યુવતિઓ પણ આ જવારા ખરીદ કરી પોતાના વ્રત માટે પુજા કરતી થઈ ગઈ છે. બદલાતા જતા ટ્રેન્ડને લઈ નાની બાળકી રીમાએ કહ્યું હતું કે, જાતે જવારા ઉછેરવામાં આવે અને ગૌરી વ્રતસુધી સંતોષકારક ઉછેર ન થાય તો યુવતિઓનો મૂળ ઓફ થઈ જાય છે અને જે ઉત્સાહ પુજામાં હોવો જોઈયે તે ઉત્સાહ પણ રહેતો નથી જેથી ઉછેર થયેલા જ જવારા ખરીદ કરવામાં આવે તેવી યુવતિઓ આગ્રહ રાખતી હોય છે. ખેર ઉછેરા હોય કે ખેરીદ કરેલા જવારાની પુજા કરી જિલ્લામાં ગૌરીવ્રતની ઉજવણી કરવા યુવતિઓ થનગનાટ કરી રહી છે. (ફોટો અને અહેવાલ – પંકજ શાહ,વડોદરા)

ઉમરેઠના તેજસ્વી વિદ્યાર્થીઓને અનુમણિ પુરસ્કારથી સન્માનીત કરાશે.


ઉમરેઠના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી ધો.૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને અનુમણિ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે. આ પુરસ્કાર અંતર્ગત બોર્ડની પરિક્ષાના પરિનામ બાદ ઉમરેઠમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીની ને રૂ.૨૦૦૦ રોકડા,સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ.૧૫૦૦ રોકડા ઈનામ રૂપે મૂળ ઉમરેઠના ર્ડો પ્રહલ્લાદભાઈ ભટ્ટના ફંડ માંથી આપવામાં આવશે.પોતાની દાવેદારી નોંધાવવા માટે વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ ની નકલ  પોતાની સ્કૂલના આચાર્ય દ્વારા પ્રમાણીત કરી ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલના આચાર્યને આપવાની રહેશે.અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં નગરમાં વિવિધ જ્ઞાતિઓ દ્વારા પોતાની જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા ઈનામો એનાયત કરવામાં આવે છે. પરંતુ સમગ્ર ઉમરેઠ ખાતે કોઈપણ જ્ઞાતિ કે જાતના ભેદભાવ વગર માત્રને માત્ર તેજસ્વી વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવાનો આ અનન્ય પ્રયાસ છે.

ઉમરેઠ બ્રહ્મકુમારી-ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા સામાજિક સંસ્થાઓનું સન્માન કરાયું.


ઉમરેઠ ખાતે કાર્યરત તેવી સામાજિક સંસ્થાઓનું તાજેતરમાં ઉમરેઠ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ બ્રહ્મકુમારી વિશ્વ વિદ્યાલયના સંચાલકો દ્વારા નગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા લોક ઉપયોગી કાર્યોની પ્રશંશા કરી હતી અને નગરની ક્લબો, મંડળો સહીત સેવા કાજે કામ કરતી લગભગ ૩૦ થી પણ વધુ સંસ્થાઓના સંચાલકો અને સભ્યોનું સન્માન કરી તેઓનું પ્રોત્સાહન વધાર્યું હતું. આ સમયે ઉમરેઠ જય અંબે યુવક મંડળના જતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સેવાકિય પ્રવૃત્તિ કરતી સંસ્થાને આ રીતે જાહેરમાં સન્માનીત કરવામાં આવે તે ખરેખર સરાહનીય બાબત છે. આવા પ્રોત્સાહનથી સંસ્થાઓ વધુને વધુ સેવાકીય પ્રવૃતિ કરશે. (ફોટો – જતિન પટેલ, ઉમરેઠ)

ઉમરેઠમાં દર રવીવારે બી.એસ.એન.એલ મોબાઈલ ઠપ્પ થઈ જતા ગ્રાહકો પરેશાન.


 • ગ્રાહકો મોબાઈલ  પોર્ટીબિલીટીથી અન્ય મોબાઈલ સેવા તરફ વળવા મજબુર

એક તરફ ખાનગી મોબાઈલ કંપનીઓ પોતાની સેવાથી ગ્રાહકોને આકર્ષવા અવનવા હથકંડા અપનાવે છે ત્યારે બીજી બાજૂ સરકારી મોબાઈલ કંપની પોતાની કથળતી સેવાને કારણે હાથમાં આવેલા ગ્રાહકો ગુમાવવાને આરે આવી ગઈ છે, ઉમરેઠમાં પણ બી.એસ.એન.એલ મોબાઈલ સેવા કથળી જતા અનેક ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે કેટલાય ગ્રાહકો દ્વારા મોબાઈલ પોર્ટેબિલીટી સેવાનો ઉપયોગ કરી અન્ય કંપની સાથે છેડા બાંધવાની તૈયારી કરી દેવામાં આવી છે.

છેલ્લા કેટલાય સમયથી ઉમરેઠમાં દર રવીવારે બી.એસ.એન.એલના મોબાઈલ ઠપ્પ થઈ જતા વપરાશકારો પરેશાન થઈ ગયા છે. જાણે દર રવીવારે મોબાઈલ સેવા આપવામાં બી.એસ.એન.એલ રજા રાખતી હોય તેવું દેખાઈ આવે છે. બી.એસ.એન.એલના કવરેજમાં પણ પહેલેથી લાલીયાવાડી છે ત્યારે રવીવારના દિવસે મોબાઈલ ફોન સંપૂર્ણ બંધ રહેતા મોબાઈલ ધારકો પરેશાન થઈ જાય છે.

વધુમાં ઉમરેઠમાં બી.એસ.એન.એલનું ટાવર હોવા છતા કવરેજમાં મુશ્કેલીઓ આવી રહી છે. જેના કારણે પહેલેથી મોબાઈલ ધારકો પરેશાન છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી દર રવીવારે બી.એસ.એન.એલની મોબાઈલ સેવા ખોરવાઈ જતા ગ્રાહકો પરેશાન થઈ ગયા છે. જો આવનારા સમયમાં બી.એસ.એન.એલ દ્વારા ગ્રાહકોની આ મુશ્કેલીને દૂર નહી કરવામાં આવે તો મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલ પોર્ટેબિલીટી સેવાનો ઉપયોગ કરી અન્ય કંપનીના ખોળામાં બેસી જવાની પેરવીમાં છે. ત્યારે ગ્રાહકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી બી.એસ.એન.એલ ઘટતું કરે તે જરૂરી છે

%d bloggers like this: