આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: મારી મરજી, મારા વિચાર

નિર્ણય…


સ્વભાવિક છે તમામ રાજકીય પક્ષો અલગ અલગ વિચારધારા ધરાવતા હોય છે.ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીના ટોચના નેતાના સ્વભાવ અને તેઓની છબીને ધ્યાનમાં લઈએ તો આ ત્રણેય નેતાઓ સામે એક જ મુદ્દો હોય તો તેઓની પ્રતિક્રિયા શું હશે તે કાલ્પનીક રીતે રજૂ કરવાનો વ્યંગ પ્રયાસ કરૂ છું.

પક્ષ માટે જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે…

રાહુલ ગાંધી (કોગ્રેસ)

હું મારી મમ્મીને પુછીને નિર્ણય લઈશ.

ભા’ઈ..લા રાહૂલ બધુ મમ્મીને પુછીને ન થાય હવે વડાપ્રધાન બનવાની ઈચ્છા હોય તો પોતાની બહાદૂરી બતાવી પડે..બાપ દાદાના નામે બહુ ચરી ખાધુ હવે જાત મહેનત કરી પોતાની કાયક્ષમતા બતાવો તો દેશ તમારી સરાહના કરશે.

અરવીંદ કેજરીવાલ (આમ આદમી પાર્ટી)

હું જનતા સમક્ષ જઈશ અને જનતા જેવું કહેશે તેમ કરીશ..!

અરવીંદ સાહેબ વાત..વાત..માં જનતાને હેરાન ન કરાય, જનતાને તે પાંચ વર્ષે એકજ વાર હેરાન કરવાની..વારંવાર પોલ અને સર્વે કરાવશો તો એક દીવસ જનતા તમને રાજકારણ માંથી એક્સીટ કરી દે તો નવઈ નહી. સવારે પાછા નાસ્તામાં શું કરું..? કપડા કયાં પહેરું…? તે માટે પણ સર્વે ન કરાવો તો સારું…!

નરેન્દ્ર મોદી (ભાજપ)

મારામાં નિર્ણય લેવાની શક્તિ છે, હું બધા નિર્ણય જાતે કરી શકું છું.

ભાઈ મોદી સાહેબ…! તમારી વાત ન થાય તમારી નિર્ણય શક્તિ ગજબની છે, પણ તેનું ગુમાન ન રાખશો..સૌનો સાથ અને સૌનો વિકાસ યાદ રાખજો, પોતાની નિર્ણય શક્તિના અહંમમાં બીજાની અવગણના કરશો તો દિલ્હી દૂર છે,વાક્ય તમારા માટે ફીટ થઈ જશે.

ભગવદ્ગોમંડલને ડિજિટાઇઝ કરી તેની વેબ આવૃત્તિ રજૂ કરનાર શ્રી રતિલાલ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકાનું અવસાન


ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ, લોકકોશના સ્થાપક અને ભાષાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકા જેઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના સંપર્કમાં આવતાં દરેક લોકોને માટે એક પ્રેરણાસ્રોત સમાન રહ્યા છે તે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી. વિજયાદશમીને દિવસે જન્મેલા રતિકાકાએ વિજયાદશમી (13 ઑક્ટોબર 2013)ને જ પોતાના જીવનનું અંતિમ બિંદુ બનાવ્યું છે. રતિકાકા એક જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા.

શ્રી પ્રેમચંદ ચંદરયા અને શ્રીમતી પૂંજીબહેન ચંદરયાના પનોતા પુત્ર શ્રી રતિલાલ ચંદરયાનો જન્મ 24 ઓક્ટોબર, 1922ના થયો હતો. પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે નૈરોબી અને મોમ્બાસામાં લીધું હતું. શૈક્ષણિક કાળ દરમ્યાન તેઓ યુવા પ્રવૃત્તિઓ, રમતગમત, યોગવિદ્યા વગેરે પ્રવૃત્તિમાં સક્રિય રીતે જોડાયેલા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ જૈન યુથ લીગ, નૈરોબીના એક સભ્ય હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સપરિવાર તેમણે ભારતમાં સ્થળાંતર કર્યું. આ સમયગાળા દરમ્યાન પોતાનો અભ્યાસ ચાલુ રાખવાને બદલે તેમણે પરિવારના પરંપરાગત વ્યવસાયમાં જોડાવવાનું નક્કી કર્યું. ભારતમાં તેમણે ઘણાં નવાં ઔદ્યોગિક સાહસોની સ્થાપના કરી અને પોતાની દૂરંદેશી અને સૂઝબૂઝથી આયાત–નિકાસનો ધંધો વિકસાવી તેનું વિસ્તરણ પણ કર્યું.

નૈરોબીમાં જન્મેલાં વિજ્યાલક્ષ્મીબહેન સાથે તેમનાં લગ્ન, ઈ.સ. 1943માં જામનગર મુકામે થયાં. એક પુત્રી, ત્રણ પુત્રો અને આઠ પૌત્ર–પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓનો બહોળો પરિવાર તેઓ ધરાવે છે. 1946માં તેઓ નૈરોબી પાછા ફર્યા અને સક્રિય રીતે પોતના વ્યવસાયમાં જોડાયા અને વ્યાવસાયિક કારણોસર તેઓ અવારનવાર પૂર્વ અને મધ્ય આફ્રિકાની સફર ખેડતા રહ્યા. તેમની પચાસીના શરૂઆતના વર્ષોમાં તેમના પરિવારજનોએ કેન્યા અને બીજા દેશોમાં વ્યાવસાયિક વિસ્તરણ કરવાનો રસ દાખવ્યો. તેમણે 1960માં દાર-એ-સલામમાં વસવાટ કર્યો અને ત્યારબાદ 1965માં યુરોપીય દેશોમાં વ્યાપારના વિસ્તરણ માટે લંડન ખાતે વસવાટ કર્યો. લંડનના વસવાટ દરમ્યાન અમેરિકામાં ધંધાકીય શક્યતાઓ તેમણે ચકાસી. દક્ષિણ-પૂર્વ એશિયામાં ધંધાકીય વિસ્તરણ કરવા માટે સિંગાપોરમાં તેમણે 1975માં વસવાટ કર્યો તે પહેલાં ટૂંકા ગાળા માટે તેઓ જીનીવા રહ્યા હતા. સ્થાનાંતરણ અને વિસ્તરણના સમગ્ર ગાળા દરમ્યાન તેઓ એક સશક્ત ઉદ્યોગસાહસિક તરીકે ઊભરી આવ્યા અને તેમણે વિવિધ ખંડો અને દેશોમાં પોતાની પારિવારિક મૂડી અને સંપત્તિનું રોકાણ કર્યું.

વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય તેઓ છેલ્લાં 65 વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે મહાત્મા ગાંધી એવોર્ડસ, ભારતીય જીમખાના, જૈન સેન્ટર, જૈન ફેલોશીપ સેન્ટર વગેરેમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. સમાજના પુનુરુત્થાન માટેની પ્રવૃત્તિઓ માટે પોતાનો સમય અને બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવાના તેઓ હંમેશાં હિમાયતી રહ્યા છે.

આ સિવાય તેમનું પ્રદાન નીચે જણાવેલી અન્ય સંસ્થાઓમાં પણ રહ્યું છે :

 • 1972માં તેઓ યુગાન્ડામાંથી નિર્વાસિત લોકોના કલ્યાણ માટે નિર્મિત એમ્પ્લોયમેન્ટ વર્કિંગ પાર્ટી ઑફ કો–ઓર્ડિનેટિંગ કમીટીના એક સભ્ય હતા.
 • 1972માં ભારતીય વિદ્યા ભવનની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે નિમાયા.
 • 1973માં તેઓ બે વખત ઓશવાલ એસોશિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા
 • ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના વાઇસ ચેરમેન પદેથી તેઓ 1975માં રિટાયર્ડ થયા ત્યાં સુધી ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના તેઓ જનરલ સેક્રેટરી, ચેરમેન તરીકેની ફરજો નિભાવી છે
 • ઈ.સ. 1980માં સંગમ, એસોશિયેશન ઑફ એશિયન વુમેનના ટ્રસ્ટી.
 • 1982માં ભારતીય જીમખાનાના ટ્રસ્ટી અને 1985માં તેના ચેરમેન બન્યા.
 • ડિસેમ્બર 1991માં ભારતીય તહેવારો ટ્રસ્ટના ટ્રસ્ટી અને તહેવાર કમિટીના મેમ્બર બન્યા.
 • એસોશિયેશન ઑફ એશિયન ઇન યુકેના ફાઉન્ડર ચેરમેન
 • ઓશવાલ એસોશિયેશન યુકેના ચેરમેન અને બોર્ડ ઑફ ટ્રસ્ટી તરીકે બે વખત ચૂંટાયા
 • ‘ઇન્ટરનેશનલ ફોરમ ઑફ ઓવરસીઝ ઇન્ડિયનસ’ના સ્થાપક
 • ‘ઇન્ડિયન સ્પોર્ટસ અને ફિઝિકલ ફાઉન્ડેશન’ના સ્થાપક ટ્રસ્ટી
 • ‘ઇન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજી, લંડન અને અમદાવાદ’ના સ્થાપક અને ચેરમેન
 • ‘ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ, લંડન’ના ટ્રસ્ટી
 • પાલીતાણા ખાતે આવેલ ‘ઓશવાલ યાત્રિક ગૃહ’ના ટ્રસ્ટી.
 • જામનગર સ્થિત ‘હાલારી વિશા ઓશવાલ દેરાસર ટ્રસ્ટ’ના ટ્રસ્ટી

ગુજરાતી ભાષાના સ્રોત તરીકે રજૂ કરવામાં આવેલ ગુજરાતીલેક્સિકોનના સ્થાપક તરીકેની તેમની ઓળખ સૌથી વધુ પ્રચલિત છે. ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની તેમને આ પ્રકલ્પ સુધી લઈ આવી અને માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય તેની પાછળ આપ્યો છે. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને રુચિ ધરાવનારા લોકો માટે ગુજરાતીલેક્સિકોનને એક સેતુ સમાન બનાવવાની મહેચ્છા દાખવતા હતા. તેમની ભાષા માટે કંઈક કરી છૂટવાની ઘેલછા અને ઉત્સાહની મહેંક આજે વિવિધ ખંડો અને સંસ્થાઓમાં પ્રસરી ચૂકી છે. 13 જાન્યુઆરી 2006ના દિવસે ગુજરાતી ભાષાના સૌથી મોટા પોર્ટલ તરીકે ગુજરાતીલેક્સિકોનની રજૂઆત થઈ. સમયાંતરે સરસસ્પેલ ચેકર, ભગવદ્ગોમંડલ, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ, રમતો, બાળકો માટેની રમતો અને મોબાઇલ એપ્લિકેશન વગેરે વિભાગો થકી ગુજરાતીલેક્સિકોન વધુ સમૃદ્ધ બન્યું. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સીડેક અને બીજી અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને ગુજરાતીભાષાના પ્રચાર અને પ્રસારના ઘણા પ્રકલ્પોમાં ગુજરાતીલેક્સિકોને પોતાનો ફાળો આપ્યો છે. તેમણે ગુજરાતીભાષાના ઐતિહાસીક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલને ડિજિટાઇઝ કરી તેની વેબ આવૃત્તિ ભાષા પ્રેમીઓ માટે રજૂ કરી છે. યુએસ કૉગ્રેસ ફેડરલ લાઇબ્રેરીના કેટલોગમાં ગુજરાતી ભાષાના સીમાચિહ્ન રૂપી કાર્ય તરીકે આ વેબ આવૃત્તિને સ્થાન આપવામાં આવ્યું છે.

એક સફળ અને સશક્ત ધંધાકીય સાહસના સ્થાપક શ્રી રતિકાકાનું જીવન કોઈપણ વ્યક્તિને પ્રેરણા પૂરી પાડનારું રહ્યું છે. તેમણે તેમના જીવનમાં ઘણાં મોટા લક્ષ્યાંકો અને સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના સમકાલીન લોકો અને મિત્રો હંમેશાં તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા રહ્યા છે. તેઓ તેમની પાછળ એક સમૃદ્ધ વારસો મૂકતા ગયા છે.

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા

ગુજરાતીલેક્સિકોન માંથી આભાર સહ…

ઘૂમે તેનો ગરબો… ને ઝૂમે તેનો ગરબો….


ધૂમે તેનો ગરબો..અને ઝુમે તેનો ગરબો, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી રચીત ઉપરોક્ત ગરબાની લાઈનો ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં ગરબા મહોત્સવ-૨૦૧૩ દરમ્યાન સાર્થક બની હતી. ગતરોજ થામણા ગામે યોજાયેલ ગરબામાં યુવાધન સહીત ગામના સિનિયર સિટીઝન ફોરમના સભ્યો પણ ભારે ઉત્સાહથી જોડાયા હતા. આ અંગે ગરબે ઝૂમતા કેટલાક સિનિયર સિટીઝન ફોરમના સભ્યોએ જણાવ્યું હતુ કે, ગરબા ઉપર માત્ર યુવાધનનો જ ઈજારો નથી અમે પણ ઉત્સાહ અને ઉમંગભેર માતાજીના પર્વ નિમિતે ગરબે ઘૂમવાનો દિવ્ય આનંદ લઈયે છે. થામણામાં સિનિયર સિટીઝનને ગરબે ઝૂમતા જોઈ યુવાનો અને યુવતિઓમાં પણ અનેરો જોશ આવી ગયો હતો, અને ગરબામાં માતાજીની આરાધના સાથે સૌ કોઈ સાથે મળી ગરબે ગુમ્યા હતા…! અત્રે ઉલ્લેખનીય છે કે, થામણા સિનિયર સિટીઝન ફોરમ દ્વારા દર વર્ષે ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને તેઓના આયોજનમાં માત્ર સિનિયર સિટીઝન ફોરમના સભ્યો જ નથી પણ સમગ્ર થામણાના લોકો ઉત્સાહભેર જોડાય છે. ((ફોટો – પિનાક સ્ટુડિયો, ઉમરેઠ))

વિદ્યાનગરની જી.એચ.પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સ્વ દેવાંગ મહેતા આઈ.ટી.એવોર્ડ-૨૦૧૩ એનાયત કરાયો.


 • જી.એચ.પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જી-સ્લેટ નામની એજ્યુકેશનલ એપ્લીકેશન તૈયાર કરાઈ.

સ્વ દેવાંગ મહેતાની યાદમાં દર વર્ષે એન્જીનીયરીંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે તેઓને એક લાખ રૂપિયા રોકડા તેમજ ટ્રોફીથી પ્રોત્સાહીત કરવામાં આવે છે. આ વર્ષે પણ સ્વ દેવાંગ મહેતા આઈ.ટી એવોર્ડ-૨૦૧૩ અમદાવાદ ખાતે ગુજરાત યુનિ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સ્વ દેવાંગ મહેતા મેમોરીયલ લેક્ચર પણ યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા પદે શ્રી અશોક સુત (હેપીએસ્ટ માઈન્ડ,ચેરમેન)ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દિપ-પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો, મુખ્ય વક્તા અશોક સુતએ સ્વ દેવાંગ મહેતા સાથે વિતાવેલ દિવસો યાદ કરતા તેઓની કૂનેહની પ્રશંશા કરી હતી. તેઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને પોતાના જીવન દરમ્યાન કઈ રીતે શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું, તેમજ નવોદીત ઉદ્યોગ સાહસીકોને મુઝવતા પ્રશ્નોનું નિરાકરણ સમજ્યાવ્યું હતું. આ સમયે આવકાર પ્રવચન કરતા હરીશ મહેતા (કો.ફાઊન્ડર – નાસ્કોમએ ઉપસ્થિત મહાનુંભાવોનો પરિચય આપ્યો હતો. સ્વ.દેવાંગ મહેતા આઈ.ટી એવોર્ડ માટે ગુજરાતભરની એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પ્રોજેક્ટ સબમીટ કરવામાં આવ્યા હતા જેમાંથી વિદ્યાનગરની જી.એચ.પટેલ ઈન્ટિટ્યુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી કોલેજના વિદ્યાર્થી ભાવિક ટીકુડીયા (પોરબંદર) , અમી શાહ (વાપી), અને ચાંદની મેનપરા (જૂનાગઢ)ના પ્રોજેક્ટ જી-સ્લેટને (એજ્યુકેશન એપ્લીકેશન ફોર બેઝીક ગુજરાતી)ને પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું હતું. આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે જી-સ્લેટ એપ્લીકેશન બેઝીક ગુજરાતી શિખવા માટે ખુબ જ ઉપયોગી સાબીત થશે. આ એપ્લીકેશન દ્વારા ગુજરાતી ભાષાની બારીકાઈથી છનાવટ કરવામાં આવી છે, સ્વર, વ્યંજન સહીતના વિભાગો તેમાં આવરી લેવામાં આવ્યા છે. તેઓએ ઉમેર્યું હતુ કે હાલમાં જી-સ્લેટ એપ્લીકેશન એન્ડ્રેઓઈડ માર્કેટમાં ઉપલબ્ધ નથી પરંતુ એન્ડરોઈડ મારકેટમાં આ એપ્લીકેશન ઉપલબ્ધ કરાવવા પ્રોસેસ કાર્યરત છે. સમારોહના અંતે સ્વ.દેવાંગ મહેતા ફાઊન્ડેશન દ્વારા સમારોહને સફળ બનાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ કાર્યકરો સહીત ગુજરાતીમાં દેવાંગ મહેતાના જીવન ઉપર પુસ્તક લખનાર જીતેન્દ્રભાઈ જોશી તેમજ સ્વ.દેવાંગ મહેતા આઈ.ટી એવોર્ડની પસંદગી કરવા માટે પ્રોફેસરોની પેનલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ તેઓને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ખાતે સ્વ.દેવાંગ મહેતાની યાદમાં વ્યાખ્યાન યોજાશે.


ઉમરેઠના પનોતા પૂત્ર અને આઈ.ટી ક્ષેત્રે ભારત દેશને વિશ્વના ફલક ઉપર મુકનાર સ્વ દેવાંગ મહેતાની સ્મુતિમાં તા.૭/૮/૨૦૧૩ને બુધવારે ગુજરાત યુનિ.કોન્વોકેશન હોલ નં.૨/૩ ખાતે બપોરે ૨ કલાકે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે. આ સમયે મુખ્ય વક્તા પદે શ્રી અશોક સુત(chairman – happiest minds)હાજર રહેશે.દેવાગ મહેતા આઈ.ટી.એવોર્ડ-૨૦૧૩ અંતર્ગત આઈ.ટી.ક્ષેત્રે ત્રણ નામાંકિત પ્રોજેક્ટ માટે સમગ્ર ગુજરાતની એન્જીયરીંગ કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરી ઈનામો એનાયત થશે. આ સમારોહમાં ઈબાદ ખાતીબ(સી.ઈ.ઓ – ડી.એમ.એફ.ટી), હરીશ મહેતા (કો.ફાઊન્ડર – નાસ્કોમ),ર્ડો.નીતાબેન શાહ (ડીરેક્ટર – ગુજરાત ઈન્ફોર્મેટીક્સ લીમીટેડ), ર્ડો.અક્ષય અગ્રવાલ (વાઈસ ચાન્સિલર , જીટીયુ) ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સહીત આમંત્રિતોને સંબોધીત કરશે.

ડાકોરના ઠાકોરના દર્શન વિદેશના ભક્તો ઈન્ટરનેટથી કરી શકશે.


ડાકોર રણછોડરાયજી મંદિરની વેબ સાઈટ http://www.ranchhodraiji.org ઉપર ક્લિક કરવાથી ભીડ-ભાડથી દૂર રહી શ્રી રણછોડરાયજીના સન્મુખ દર્શનનો લાહ્વો મળશે. છેલ્લા કેટલાય સમયથી ડાકોર મંદિર દ્વારા વિદેશના અને મંદિરમાં આવી ન શકે તેવા ભક્તોને ધ્યાનમાં રાખી મંદિરની વેબ સાઈટ ઉપર લાઈવ દર્શનની સુવિધા મુકવામાં આવી છે.ડાકોર મંદિરની વેબ સાઈટ હિન્દી, ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ હોવાથી નાના-મોટા સૌ કોઈ પોતાની અનુકુળતા મુબજ આ સાઈટનો લુપ્ત ઉઠાવી રહ્યા છે.

હોળી અને ધૂળેટીને ધ્યાનમાં રાખી વિદેશના ભક્તો મોટી સંખ્યામાં આ સુવિધાથી દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે, જ્યારે દેશના ભક્તો જેઓ ડાકોરધામ ન આવી શક્યા હોય તેઓ પણ એક ક્લિક કરી દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકશે. ડાકોર મંદિરની વેબ સાઈટ ઉપર મંદિરમાં દર્શનનો સમય સહીત અન્ય જરૂરી માહિતી મુકવામાં આવી છે તેમજ વિવિધ ઉત્સવોના ફોટા અને મંદિરનો ઈતિહાસ પણ આ વેબ સાઈટના માધ્યમથી જાણી શકયાત છે. ત્યારે ઈ-યુગમાં રણછોડજીના દર્શન પણ વેબસાઈટના માધ્યમથી થતા ભક્તો રોમાંચીત છે.

આવું કેમ..?


ગઈકાલે ગોધરાકાંડને દશ વર્ષ પૂર્ણ થયા. સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલો દ્વારા ૨૦૦૨ ગુજરાત રમખાણગ્રસ્તોના પરિવારજનોની વ્યથા દર્શાવતા ઈન્ટર્વ્યું પ્રસિધ્ધ કર્યા અને બતાવ્યા. સાબરમતી એક્સ્પ્રેસના જે ડબ્બામાં કારસેવકો મૃત્યુ પામ્યા હતા તેઓના પરિવારજનોની કોઈ પણ મિડિયા દ્વારા ખબર સુધ્ધા લેવામાં ન આવી. સાબરમતી ટ્રેનમાં જે કાંઈ બન્યું તે પછી ગુજરાતમાં તોફાન ફાટી નિકળ્યા હતા. મોટી ચેનલો હોય કે મોટા વર્તમાનપત્રો બધા ગોધરાકાંડના રમખાણગ્રસ્તો નીજ વાત કરે છે. કોઈને કારસેવકો યાદ આવતા નથી જેથી જરૂર બધાના મનમાં સવાલ થયો જ હશે આવું કેમ..?

…સિગારેટ અને ગોટાનો પ્રસાદ ચઢાવાય છે.


વાંચીને અચરજ જરૂર થઈ હશે પણ આ સત્ય છે કે, પૂ.નથ્થુરામ બાપુજીની સમાધિ ઉપર ભક્તો સિગારેટ અને ગોટાનો પ્રસાદ ચઢાવે છે. કેટલાય ભક્તો તેમ પણ કહી રહ્યા છે કે આમ કરવાથી પૂ.નથ્થુરામ બાપુજી સમક્ષ રાખેલ બાધા પૂર્ણ પણ થઈ જાય છે. વર્ષો પહેલા ડાકોરના ઘોમતી ઘાટ સામે ખુલ્લી જગ્યામાં એક આધેડ વ્યક્તિ અઘોરી અવસ્થામાં બેસી રહેતો હતો. કેટલાક તેને માનથી બોલાવતા હતા તો કેટલાક તેમને હળધૂત પણ કરતા હતા. તેઓને હળધૂત કરતા લોકો માંથી કેટલાક લોકો ધૂળમાં મળી ગયા હોવાના પણ દાખલા ડાકોર સ્થિત કેટલાય વડીલો કહી રહ્યા છે.

ચમત્કારી નથ્થુરામ બાપુજીની સમાધિ ડાકોરના ગોમતી ઘાટ સામે જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમમાં આવેલ છે. પૂ.નથ્થુરામ બાપુજીના મૃત્યુ પછી તેઓની સમાધિ જલારામ સેવા ટ્રસ્ટના પરિસરમાં બનાવી હતી. પૂ.નથ્થુરામ બાપુજીના ભક્તોને તેઓમા અપરમપાર શ્રધ્ધા હતી કેટલાક તત્વો ધ્વારા ડાકોર માંથી પૂ.નથ્થુરામ બાપુજીને દૂર કરવા પણ તજવીજ કરી હતી પણ આવા લોકો હંમેશા માટે કોઈ ને કોઈ મુશ્કેલીઓથી રૂબરૂ થતા હતા. અંગ્રેજોના સમયમાં જ્યારે એક અધિકારીએ તેઓને તે જગ્યા ઉપરથી હટાવવા તંત્ર કામે લગાળ્યું હતુ ત્યારે પણ તેઓ ત્યાંના ત્યાંજ રહ્યા હતા આખરે જાતે અંગ્રેજ અધિકારી પૂ.બાપુજીને તેઓની જગ્યાએ થી હટાવવા આવ્યા ત્યારે પૂ.નથ્થુરામ બાપાએ અંગ્રેજ અધિકારીને કહ્યું હતૂ ” તુ મુજકો યહા સે ક્યાં હટાયેગા, જીસકો હટાના થા ઉસકો મેને હટાદીયા હૈ..!” આમ કહ્યા બાદ ગણતરીના સમયમાં તે અંગ્રેજ અધિકારીને પોતાના પૂત્રના મોત અંગે સમાચાર મળ્યા, આખરે આ અંગ્રેજ અધિકારીએ પૂ.બાપુજીની માફી માગી હતી અને પૂ.બાપુએ તેઓને માફ કરી એક વર્ષ બાદ તેઓના ઘરમાં પૂત્ર જન્મ લેશે તેવા આશિર્વાદ આપ્યા હતા અને વર્ષ પછી તેઓને ત્યાં પૂત્ર જન્મ પણ થયો હતો. આ સિવાય પણ ડાકોરના લોકોને જે તે સમયે પૂ.નથ્થુરામ બાપુજીએ કેટલાય ચમત્કાર બતાવ્યા હતા. કહેવાય છે પૂ.નથ્થુરામ બાપુજી ગોમતીના એક ઘાટ ઉપરથી પાણીમાં ડુબકી લગાવતાને પલ વારમાં તો ગોમતીના બીજા ઘાટ ઉપર પહોંચી જતા હતા. મગર મચ્છની ઝડપથી તેઓ પાણીમાં તરતા હોવાથી તેઓને મઘરમચ્છ મહારાજ તરીકે પણ લોકો તેમને સંબોધતા હતા.

આજે પણ ડાકોર અને આજૂબાજૂના કેટલાક ગામના લોકો પૂ.નથ્થુરામ બાપુજીમાં અનેરી શ્રધ્ધા રાખે છે. તેઓના સમાધિ સ્થાન ઉપર આજે પણ લોકો દર્શને જાય છે. તાજેતરમાં તેઓની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ડાકોર ખાતે ઉજવાયો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હાલમાં પણ તેઓના સમાધિ સ્થાન ઉપર લોકો સિગારેટ અને ગોટાનો પ્રસાદ ચઢાવે છે.

આવી તે કેવી સદ્ભાવના…


આવતી કાલ એટલે તા.૧૭.૧.૨૦૧૨ને મંગળવારના રોજ આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક દિવસના ઉપવાસ ઉપર ઉમરેઠ-ડાકોર માર્ગ ઉપર આવેલ ભવન્સ કોલેજના મેદાનમાં બેસવાના છે. ઉમરેઠ અને ડાકોર વચ્ચે આજે સવારથી ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે, મતલબ આજ બપોરથી ઉમરેઠ થી ડાકોર જતા બધા વાહન ચાલકો પોતાની જાતને વાસ્કો-દ-ગામા સમજી લેવાનું…

ટુંકમાં મોદીના સદ્ભાવના ઉપવાસને કારણે…

> પ્રજા પરેશાન થવાની > પોલીસ પણ પરેશાન થવાની (પણ કશું બોલશે નહી..!)> સરકારી કચેરીઓના અધિકારીઓ કાલે નહી મળે..કારણ કે બધા કાલે સદ્ભાવના માટે મોદીના ચરણોમાં હશે. > ઉમરેઠ ડાકોર રોડ સામાન્ય માણસો માટે બંધ , પણ ભાડુતી શ્રોતા ગણ માટે લાલ ઝાઝમ સાથે માર્ગ ખુલ્લો.> મોદી ઉપવાસ કરી સાંજે પેટભરી ખાશે..

મોદી આવવાના છે તેમાં ટ્રાફિક બંધ કરવાની શું જરૂર છે..? મોદી આટલા બધા કેમ ગભરાય છે..?

 

UIDAI કાર્ડ


UIDAI કાર્ડ માટે છેલ્લા કેટલાય સમયથી ઉમરેઠ બજાર સમિતિના મેડા ઉપર ફોટા પાડવાનું કામ ચાલી રહ્યું છે. થોડા સમય માટે આ કામ લીંગડા અને થામણા ખાતે ખસેડાયું હતું. હવે શરૂઆતમાં જે લોકોએ ફોટા પડાવ્યા હતા તેઓના કાર્ડ પોસ્ટમાં ઘરે આવવા લાગ્યા છે. આજે આ કાર્ડ જોયું પણ કાંઈ ખાસ કાર્ડમાં લાગ્યું નથી. કાર્ડની ક્વોલેટી એકદમ ખરાબ છે, ખિસ્સામાં કાર્ડ છુટુ મુકવાથી વળી પણ જાય…! UIDAI કાર્ડને લઈ જે આશા હતી તે ઠગારી નિવડી તેમ કહીયે તો ખોટું નહી.

ફેશબુક, ગુગલ સામે સરકારની બેવડી નિતિ – હસવું છે પણ ખરૂં ને ખાંડ પણ ફાંકવી છે..!


હાલમાં ઈન્ટરનેટ ઉપર કોગ્રેસ સરકારની ઠેકડી ઉડાવતા ચિત્ર સહિતની સામગ્રીઓ વહેતી થતા સરકાર ફેશબુક, ગુગલ સહીતની શોસીયલ નેટવર્કીંગની વેબ સાઈટથી ખફા થઈ ગયા છે અને આ વેબ સાઈટોના સંચાલકોને વેબ ઉપરથી આવા ચિત્રો સત્વરે દૂર કરવા સહીત ભવિષ્યમાં આવી હરકત ન થાય તે બાબતે ધ્યાન રાખવા સુચણો કરી દીધા છે. બીજી બાજૂ ઓપન ફોરમ સમાન શોશીયલ વેબ સાઈટો ઉપર આવા ચિત્રો દૂર કરવા માટે ખુદ વેબ સાઈટના સંચાલકો પણ સક્ષમ નથી અને વિવિધ જાતના ફિલ્ટર સાઈટ ઉપર હોવા છતા આવા બનાવો બન્યા કરે છે તે શોશીયલ વેબ સાઈટના સંચાલકો કહી રહ્યા છે.

હાલમાં ઈન્ટરનેટ ઉપર ખાસ કરીને સરકાર વિરૂધ્ધ અનેક સાહિત્યો હરતા ફરતા થઈ ગયા છે.કોગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી, કોગ્રેસ મહાસચીવ દિગવિજયસિંહ સહીત શરદ પવાર જેવા ઉચ્ચ કક્ષાના નેતા અને સોનીયા ગાંધી અને મનમોહનસિંહની પણ મશ્કરી કરતા ચિત્રો ઈન્ટરનેટ ઉપર ફરી રહ્યા છે. આવા ચિત્રો અને સામગ્રીઓને લઈ કોગ્રેસ સરકાર ફેશબુક ગુગલ જેવી શોશીયલ વેબ સાઈટથી ખફા છે.

બીજી બાજૂ સરકાર આજ વેબ સાઈટની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી આ વેબ સાઈટ ઉપરથી પોતાના પ્રચાર અભિયાનને પણ વેગ આપે છે. હાલમાં ફેશબુક ઉપર કોગ્રેસના રાહુલ ગાંધી સહીત અન્ય નેતાઓ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે. જો ખરેખર સરકાર અને સરકારના કહેવાતા પ્રતિનિધિઓ આ વેબસાઈટ થી ખફા હોય તો પહેલા તેમનો પ્રચાર આ વેબ સાઈટ ઉપરથી બંધ કેમ નથી કરતા…? સરકારે શોશીયલ નેટવકીંગની વેબ સાઈટ ઉપર કોઈ પગલા લે તે પહેલા તેમને પ્રચાર માધ્યમ તરીકે આવી સાઈટોનો ઉપયોગ બંધ કરવો જોઈયે. એક તરફ સરકાર આવી વેબ સાઈટને ગાળો ભાંળે અને બીજી બાજૂ આવી સાઈટનો ભરપેટ ઉપયોગ કરી બેવડું વલણ દાખવે તે કેટલા અંશે વ્યાજબી છે. આતો ખાંડ પણ ફાંકવી છે અને હસવું છે પણ ખરું..તેવી નિતિ કહેવાય…! સરકારે અહીયા સમજવાની જરૂર છે કે સમુદ્ર મંથન કરવામાં આવે તો ઝેર અને અમૃત બંન્ને આરોગવાની તૈયારી રાખવી જ પડે.

બનાવટી પોલીસ કરી ગઈ તોડ-પાણી..!


ભરાવદાર શરીર, આંખ પર ગોગલ્સ અને કમર પર લાલ પટ્ટા સાથે રમકડાની બંદૂક લટકાવી થોડા દિવસ પહેલા દબંગ સ્ટાઈલમાં સાદા ડ્રેસમાં બનાવટી પોલીસે પાંચ છ દિવસ પહેલા ઉમરૅઠના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક શોપિંગ સેન્ટરની મોબાઈલની દૂકાનમાં એન્ટ્રી પાડી અને રૂઆબથી કહેવા લાગ્યા ” કેમ..? ભા’ઈ ડોક્યુમેન્ટ વગર સીમ કાર્ડ વેંચી દો છે..? ખબર છે કેટલો મોટો ગુન્હો છે..?  લાવે બધા સીમ કાર્ડની ડીટેઈલ ને વેચેલા સીમકાર્ડના જમા કરેલ ડોક્યુમેન્ટ..છેક ગાંધીનગરથી તપાસ છે…!

બનાવટી પોલીસની ધારદાર એક્ટીંગથી મોહીત થયેલ બિચારા મોબાઈલ વેચનાર દુકાણદાર કાંઈ સમજી પણ ન શક્યાને ધડાઘડ બનાવટી પોલીસ ડોક્યુમેન્ટમાં ફલાની અને ઢીકની ભૂલો છે તેમ કહી કાર્યવાહિ કરવાનું કહ્યું, સ્વાભાવિક રીતે મોબાઈલ દૂકાનધારકે પોલીસની જાતની ગરીમાને ધ્યાનમાં રાખી તોડ-પાણી કરવાની ઓફર કરી અને બનાવટી પોલીને તો જોઈતું તું ને વૈદ્યે કહ્યું તેવો જ ઘાટ ઘડાયો..!

પણ આટલા સમયમાં વાત શોપિંગ સેન્ટરના અન્ય દૂકાણદારોના કાન સુધી પહોંચી ગઈ અને આ મોબાઈલની દુકાનની આસપાસ કેટલાક લોકો શું થઈ રહ્યું છે દુકાણમાં જાણવા આટા મારવા લાગ્યા..! ત્યાં પરિસ્થિતી પારખી ગયેલા બનાવટી પોલીસે પેલા દૂકાન માલિકને દૂકાનથી બીજે ક્યાંક લઈ ગયો ને તોડ-પાણી કરી દીધા પછી અને રફુચક્કર થઈ ગયો પછી દૂકાન માલિકે પોતાની સાથે થયેલ આપવીતી અન્ય દૂકાણદારોને જણાવી અને પછી તેને ખ્યાલ આવ્યો કે એ’તો બનાવટી પોલીસ હતો. બસ સ્ટેશન વિસ્તારમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ પણ બિચારો દૂકાનદાર નિર્દોષ હોવા છતા કાંઈ કરી શકે તેમ ન હતું. બનાવટી પોલીસની ફરિયાદ લઈને તે સાચકડી પોલીસ પાસે જાય તો ખાતર પાછાળ દિવેલ જેવો ઘાટ ન ઘડાય…? એક વાત તો ચોક્કસ છે, બનાવટી પોલીસ ગામમાં આવી પોલીસના નામે તોડ-પાણી કરે તે સાચકડી પોલીસ માટે શરમજનક કહેવાય..

ઉમરેઠ ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ દ્વારા નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન


પાલિકામાં ભ્રષ્ટાચાર બંધ નહી થાય તો ભવિષ્યમાં અચોક્કસ મુદતના ઉપવાસની ચીમકી

ઉમરૅઠ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના વિરોધમાં ઉમરૅઠ ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના સભ્યોએ પાલિકા કંપાઊન્ડમાં ધરણા – ઉપવાસ આંદોલન છેડ્યું હતું. આ સમયે ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના મુકેશભઈ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, ઉમરેઠ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે જેથી ભ્રષ્ટાચારી શાશકોની આંખો ખુલે તે માટે તેઓ દ્વારા પ્રતિક ઉપવાસનું આંદોલન પાલિકા સામેજ કરવામાં આવ્ય્ં હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે કેટલીય વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હોવા છતા પરિનામ ન મળ્યુ હોવાને કારણે આ પગલું ભરવાનો વારો આવ્યો છે જ્યારે આવનારા સમયમાં પણ પાલિકા માંથી ભ્રષ્ટાચાર જળમૂળમાંથી નહી ઉખડે તો અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન કરવામાં પણ ઉમરૅઠ ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ ખચકાશે નહી. સદર ઉપવાસ આંદોલનમાં ઉમરેઠના સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ ગાભાવાળા સહીતના નગરજનો અને વકીલો પણ જોડાયા હતા અને પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

કડવું પ્રવચન


જ્યાં સુધી દેશમાં ચુંટણી પ્રક્રીયામાં ધરખમ ફેરફાર નહી થાય. પ્રજા પૈસા લીધા વગર યોગ્ય ઉમેદવારને મત નહી આપે ત્યાં સુધી ભ્રષ્ટાચાર દૂર થવાનો નથી નથી ને નથી…! જનલોકપાલ બીલ આવશે કે નહી આવે પેટ્રોલના ભાવ ૭૦ જ રહેવાના છે. ગેસનો બાટલો ૪૧૩ માંજ મળવાનો છે. રોજગારી ની તકો વધવાની નથી. હાલમાં દેશમાં પ્રાથમિક જરૂરિયાતો ઉભી કરવાનો સમય છે. રસ્તા,પાણી,વિજળી જેવા પ્રશ્નોની ભરમાર છે.

ભ્રષ્ટાચારી નેતાઓને ભ્રષ્ટાચાર કરવા લાયક કોણ બનાવે છે…? શીલા દિક્ષીત ગમે તેમ કરી દિલ્હી માંથી… સોનીયા અમેઠી માંથી કેમ જીતી ને જ બહાર આવે છે…? જ્યાં સુધી પ્રજા ચુંટણીના સમયે પરિપક્વતા નથી બતાતે ત્યાં સુધી દેશ નું ભલું થવાનું નથી. બધાને ખબર છે. દેશમાં ગરીબો વધારે છે અને ગરીબોને આ ભ્રષ્ટનેતા રૂપિયાથી ખરીદી વોટ બેન્ક બનાવે છે અને બનાવતા રહેવાના જ અત્યારે જેમ આપણે અન્નાની પડખે છે તેમ ચુંટણીના સમયે પણ અન્નાજીના ખાતીર યોગ્ય ઉમેદવારને મત આપીશું તો અન્નાજી જેવા લોકોને આ ઉંમરે દેશ માટે આટલી મુશ્કેલી સહન કરવાનો વારો નહી આવો….

…બસ તમારા મતની કિંમત સમજો અને બીજાને તેમના મતની કિંમત સમજાવો , લાંચ આપશો નહી અને લાંચ લેશો નહી…! બસ આપો આપ બધુ સારૂં થઈ જશે , નથી આંદોલન ની જરૂર કે નથી રેલી કે દેખાવ કરવાની જરૂર…! જય હિંદ

ઉમરેઠમાં અન્ના હજારેના સમર્થનમાં કેન્ડલ માર્ચ યોજાઈ (EXLUSIVE VIDEO)


સમગ્ર દેશમાં અન્નાના સમર્થનમાં દેખાવ અને આંદોલન થઈ રહ્યા છે,ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ અન્ના હજારે અને જન-લોકપાલ બીલના સમર્થનમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરના પંચવટી વિસ્તારમાં યુવા એકત્ર થઈ કેન્ડલ માર્ચ કરી નગરમાં ફર્યા હતા અને જન-લોકપાલ બીલની સરકાર દ્વારા મંજૂરી મળે તેવી માંગ કરી હતી.યુવાનોએ અન્નાની ધરપકડ કરનાર સરકારની આલોચના કરી સરકાર જન લોકપાલ બીલ મુદ્દે સકારાત્મક અભિગમ દાખતે તેવું આહ્વાન કર્યું હતું. ઉમરેઠમાં શાંતિપૂર્ણ નિકળેલ કેન્ડલ માર્ચમાં સ્વયંમ લોકો જોડાયા હતા અને અન્નાજીને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ત્યારે હવે આવનારા દિવસોમાં સરકારનું વલણ કેવું રહેશે તે જોવાનું રહ્યું.

વધુમાં ઉમરેઠમાં અન્નાના સમર્થનમાં નિકળે રેલીમાં ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશ પક્ષના આગલી હરોળના કેટલાક નેતાઓએ ભાગ લીધો હતો અને ભ્રષ્ટાચાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા જ્યારે આજ રેલીમાં ઉમરેઠ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારોની વિગતો સાથે એક નનામી પત્રિકા ફરતી કરવામાં આવી હતી જેને લઈ મોટી અસમંજસની સ્થિતી પેદા થઈ હતી. એક તરફ પાલિકાના સત્તા પક્ષના સભ્યો રેલીમાં હતા અને તેજ રેલીમાં પાલિકા વિરૂધ્ધ ની પત્રિકાઓ ફરતી થતા પ્રજા અનેક ચર્ચાઓ કરી રહી છે. ત્યારે અન્નાના મુદ્દે કેન્દ્રમાં રાજકારણ રમાતું હોય કે ન હોય પણ ઉમરેઠમાં તો અન્નાના નામે રાજકારણ રમવામાં આવતું હોય તેમા કોઈ બે મત નથી તેમ પ્રજાજનો ચર્ચા કરી રહ્યા છે.

ઉમરેઠમાં અન્નાના સમર્થનમાં નિકળેલ રેલી ગામના વિવિધ ભાગોમાં ફરી હતી ત્યારે તેનું સમાપન પંચવટી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ સમયે રામધૂન કરી સૌ કોઈએ સરકારને સદબુધ્ધિ આવે અને જનલોકપાલ બીલની બહાલી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ધમકીની ઐસી તૈસી…!


ડાકોર મંદિરમાં ૧૫મી ઓગષ્ટે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હોવા છતા ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરમાં ડાકોરના ઠાકોરના દર્શને આવી રહ્યો છે. ભક્તો કહે છે કે, રાજા રણછોડની છત્રછાયા હોય ત્યારે અમારે શું ચિંતા..? એક તરફ ભક્તો બેખોફ થઈ ભક્તિમાં મશગુલ થઈ રાજા રણછોડના દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે ભક્તોની સુરક્ષા કાજે પોલીસ તંત્ર પણ ખડેપગે રહી સધન સુરક્ષા વ્યવસ્થા કરી દીધી છે. ડાકોરની ગલી ગલીમાં સી.સી.ટીવી કેમેરા મુકવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરક્ષા કર્મીઓની નજર સહીત ત્રીસરી આંખથી પણ પોલીસ તંત્ર ડાકોર ઉપર નજર રાખી રહ્યું છે જેથી ભક્તો બેખોફ થઈ દર્શન કરી શકે.

ઉમરેઠ બાર એશોશીયેશનના પ્રમુખ અને ઉપ-પ્રમુખની વરણી કરાઈ.


ઉમરેઠ બાર એશોશીયેશનના હોદ્દેદારોની તાજેતરમાં વરણી કરવામાં આવી હતી. આ સમયે પ્રમુખ પદે રશ્મીકાન્તભાઈ શાહ તેમજ ઉપ પ્રમુખ પદે શેખભાઈ વકીલ ની વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે બાર એશોશીયેશનના પ્રમુખ પદે વરણી પામેલ રશ્મીભાઈ શાહ હાલમાં ઉમરૅઠ અર્બન બેંકમાં મેનેજીંગ ડીરેક્ટર સહીત ઉમરેઠ નગરપાલિકાના કાનુની સલાહકાર તરીકે પદ શંભાઈ રહ્યા છે. તેમજ ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલ અને રોટરી કલબ જેવી સંસ્થામાં રહી સામાજિક ક્ષેત્રે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓને બાર એશોશીયેશનના સભ્યો સહીત ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા શુભેચ્છા વ્યકત કરવામાં આવી હતી.

ઉમરેઠ કોગ્રેસ દ્વારા “પોલ ખોલ” કાર્યક્રમ યોજાયો.


રાજ્ય સરકાર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને જનતા સમક્ષ રજૂ કરવા માટે ઉમરૅઠ તાલુકા કોગ્રેસ દ્વારા ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયાની આગેવાની હેઠળ “પોલ ખોલ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તારમાં ઉમરેઠના ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયા, માજી ધારાસભ્ય સુભાષભાઈ શેલત સહીત કોગ્રેસના અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સ્કૂટર રેલી દ્વારા સુત્રોચ્ચાર કરી ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવી હતી. આ દરમ્યાન રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી અને મામલતદાર દિપીકાબેન પંચાલને આવેદન પત્ર સુપ્રત કર્યું હતુ.

ઉજ્જળ ઉમરેઠમાં ગૌરીવ્રત દરમ્યાન રેલ્વે સ્ટેશન પીકનીક સ્પોટ બન્યુ..! (Gauri Vrath X-lusive VIDEO)


 • બાગ બગીચા ન હોવાને કારણે જીવના જોખમે રેલ્વે સ્ટેશન પીકનીક મનાવતી યુવતિઓ અને મહિલાઓ

ઉમરેઠનગરમાં છલ્લા કેટલાય વર્ષોથી ગૌરીવ્રત દરમ્યાન પીકનીક સ્પોટ તરીકે રેલ્વે સ્ટેશન લોકપ્રિય બન્યું છે. તમને થશે કે રેલ્વે સ્ટેશન અને પીકનીક સ્પોટ..? તો જાણી લો મજબુરીકા નામ મહાત્મા..! ઉમરેઠની મહિલાઓ અને યુવતિઓ નગરમાં કોઈ ઢંગઢળા વાળો બાગ-બગીચો ન હોવાને કારણે રેલ્વેના પાટા ઉપર પીકનીક મનાવવા મજબુર થઈ ગઈ છે અને આ પરંપરા એક બે વર્ષથી નહી પરંતુ કેટલાય વર્ષોથી ચાલી રહી છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોમાં ગામમાં કોઈ માઈના લાલ બાગ બગીચા બનાવવા માટે આગળ ન આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સરકાર ધ્વારા કરોડોની ગ્રાન્ટ આવતી હોવા છતા સંસદ સભ્યો કે ધારા સભ્યો કોઈને ગામમાં કોઈ બાગ-બગીચા બનાવવાનું સુજ્યું નથી. ઉલટું જે બાગ બગીચા હતા તેનો પણ યોગ્ય રખરખાવને કારણે ઉકરડો બની ગયો છે. જ્યારે ઉમરૅઠના ઓડ બજાર વિસ્તારમાં તો કોઈ ગામનું ભલું ઈચ્છનાર નાગરિકે પોતાની જમીન બાગ બનાવવા આપી હતી તેની ઉપર પાલિકા તંત્ર ધ્વારા શોપિંગ સેન્ટર બનાવી રોકડી કરી દેવામાં આવી છે. દૂવિધાની વાતતો એ છે કે આ પાલિકાનું શોપિંગ સેન્ટર બન્યું છતા પણ આ જમીનના મુખ્ય પ્રવેશ ધ્વાર ઉપર જમીન દાનમાં આપનાર દાતાના નામ સાથે “શ્રીજીબાગ” લખેલ દ્વાર પણ આજે અડીખમ છે. ત્યારે જે દાતાએ બાગ બગીચા બનાવવા જમીન આપી હતી તે જમીન ઉપર તંત્ર ધ્વારા કાયદાની રમતો રમી શોપિંગ સેન્ટર બનાવવામાં આવતા નગરજનો છાનામાના તંત્ર ઉપર ફિટકાર વર્ષાવી રહ્યા છે.

બ્રહ્માકુમારી કેન્દ્ર અને સંતરામ મંદિર આશાનું કિરણ…!

ઉમરેઠની બે ધાર્મિક સંસ્થાઓ ધ્વારા પોતાના સંકૂલમાં યોગ્ય રીતે રખરખાવ કરી સુંદર બાગ બગીચા બનાવ્યા છે. ત્યારે નગરની જનતા આ બાગ બગીચાનો સારી રીતે ઉપયોગ કરે છે. પરંતું એક સાથે ગામના લોકો પીકનીક માટે આ જગ્યાએ પહોંચે તો આ જગ્યા સાંકળી પડે છે. ત્યારે તંત્ર દ્વારા મોટા બાગ બગીચા બનાવવા માટે સાર્થક પગલા ભરવા જરૂરી છે. હાલમાં તો સંતરામ મંદિર અને બ્રહ્માકુમારી કેન્દ્ર લોકો માટે આશાનું કિરણ છે.

ઉમરૅઠમાં મેહૂલીયાનું પુજન કરવામાં આવ્યું.


ગઈકાલેજ ઉમરૅઠ સિઝનનો પહેલો વરસાદ થપ્પો કરીને ગયો ત્યારે ખેતી લાયક વરસાદ આવે તે હેતુથી ઉમરેઠના ઓડ બજારના વહેપારીઓ ધ્વારા વરસાદને રીઝવવા માટે મેહૂલીયાનું પુજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઓડ બજારના વહેપારીઓ સહીત અન્ય નગરજનો પણ ઉપસ્થીત રહ્યા હતા. કહેવાય છે મેઘરાજાને રીઝવવા હોય તો, માટીના બનેલા મેહૂલીયાની ઉપર બધા પાણી પધરાવે અને મેહૂલીયાને ભીંજવી નાખે ત્યારે અચુક મેઘરાજા પધરામની કરે છે.

ચોમાસીની મોસમ શરૂ થયે પંદર થી વીશ દિવસ જેટલો સમય વહી ગયો હોવા છતા ઉમરેઠમાં માત્ર એક વાર મેઘરાજાએ થપ્પો કર્યો હતો જેના કારણે ઉમરેઠ પંથકમાં ખેડૂતો સહીત અન્ય નગરજનોમાં ચિન્તાની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે ઓડ બજારના વહેપારીઓ ધ્વારા મેહૂલીયાનું પુજન કરાતા લોકો વરસાદને લઈ આશાવાદી બન્યા છે. ઓડ બજારના અગ્રણી વહેપારી રાજૂભાઈ શહેરાવાળાએ પુજા સફળ કરવા ભારે જહેમત ઉઠાવી હતી.

%d bloggers like this: