આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: ઉમરેઠને લગતું…

ઉમરેઠમાં શ્રી ગીરીરાજધામ ખાતે ભવ્ય અન્નકુટ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નિકળી.


ચિ.ગો.શ્રી.દેવકીનંદજી બાવાશ્રી (દેવેશબાવા) તથા ચિ.ગો.શ્રી.વિઠ્ઠલનાથજી બાવાશ્રીના સાનિધ્યમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા. અન્નકુટના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા.

21

annkut.jpg

જગદગુરૂ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર પુ.પા.ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી(કામવન)ની આજ્ઞાથી ચિ.ગો.શ્રી.દેવકીનંદજી બાવાશ્રી (દેવેશબાવા) તથા ચિ.ગો.શ્રી.વિઠ્ઠલનાથજી બાવાશ્રીના સાનિધ્યમાં તા.૧૯.૧૧.૨૦૧૭ને રવીવારના રોજ હરીશભાઈ ચીમનલાલ પટેલના મુખ્ય મનોરથી પદે ભવ્ય અન્નકુટ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સવારે ૯.૩૦ કલાકે શ્રી દેવકીનંદજી મંદિર ખાતે થી શોભાયાત્રા નિકળી હતી. જેમાં ચિ.ગો.શ્રી.દેવકીનંદજી બાવાશ્રી (દેવેશબાવા) તથા ચિ.ગો.શ્રી.વિઠ્ઠલનાથજી બાવાશ્રીના સાનિધ્યમાં મોટી સંખ્યા માં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા નગર વિહાર કરી શ્રી ગીરીરાજધામ ખાતે પહોંચી હતી. શોભાયાત્રા નું ઠેર ઠેર ફુલવર્ષા કરી સ્વાગત કરાયુ હતુ. નગરના સુંદલ બજાર વિસ્તારમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરાયું હતુ આ પ્રસંગે ઉમરેઠ વી.વાય.ઓ ના પ્રમુખ દિવ્યેશભાઇ દોશી, મહીલા પાંખના પ્રમુખ રાજેશ્રીબેન શાહ અને યુવા પાંખના પ્રમુખ કદમ દોશી ઉપસ્થીત રહ્યા હતા.  બપોરે ૧૨.૩૦ કલાકે શ્રી ગીરીરાજધામ ખાતે ગોવર્ધનપુજાના દર્શન નો લાભ લીધો હતો. આ સમયે ભજન- કિર્તન કરવામાં આવ્યુ હતુ અને વાતાવરણમાં અનેરી ધાર્મિક મહેક પ્રસરી હતી. સાંજે ૪ કલાકે અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. અન્નકુટના દિવ્ય દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. આ દિવ્ય મનોરથનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હર્ષ શહેરાવાળા, ગોવિંદભાઇ ભાલજા, સહીત યજમાન પરિવારના હરીશભાઇ ચીમનભાઇ પટેલ, તેમજ વૈષ્ણવ વૄંદ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

annkut1n

Advertisements

ઉમરેઠમાં કમળાનો વાવર – નગરજનોમાં ફફડાટ..!


ઉમરેઠમાં છેલ્લા કેટલાક સમય થી કમળાનો વાવર ફેલાયો હોવાનું સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે. નગરના ખાનગી દવાખાના સહીત સ્ટેશન રોડ પર સરકારી દવાખાનામાં પણ કમળાના દર્દીઓ સામાન્ય પરીસ્થીતી કરતા પ્રવર્તમાન દિવસોમાં વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે. કમળાના દર્દીઓ ઠેર ઠેર દેખાતા સ્થાનિકોમાં ચિંતાનું મોજૂ દેખાઈ રહ્યું છે ખાસ કરીને ઉમરેઠના આમલી ચકલા, ચોકસી બજાર સહીત વડાબજાર વિસ્તારમાં કમળાના દર્દીઓ ખાટલે પડ્યા છે જે પૈકી કેટલાક સરકારી હોસ્પિટલમાં તો કેટલાક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. નગરમાં કમળાનો વાવર જોઈ આરોગ્ય તંત્ર સજાગ બને અને પરિસ્થીતી વકરે તે પહેલા નગરમાં સાફ સફાઈ સહીત ફોગિંગ થી દવ છંટકાવ કરે તેવી લોક માંગ પ્રવર્તમાન બની છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા આપવાનું પાણી ઉકાળીને પીવાની પણ ર્ડોક્ટરો સલાહ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નગરપલિકા દ્વારા પાણી ચોખ્ખુ આવે છે કે નહી તે અંગે પણ ચકાસણી કરી પ્રભાવીત વિસ્તારમાં સર્વે કામગીરી થાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે. વધુમાં ઉમરેઠના ખાનગી દવાખાનામાં કમળો પોઝિટીવ આવતા ર્ડોકટરો સ્પેશિયાલીસ્ટ ને ત્યાં રીફર કરી રહ્યા છે, ઉમરેઠમાં પીડીયાટ્રીશીયન સહીત અન્ ખાનગી દવાખાનામાં કમળાના દર્દીઓ આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

કમળાના દર્દીઓની હાલત સુધારા પર – ર્ડો.ઇમ્તીયાઝ

ઉમરેઠ સરકારી દવાખાનાના ર્ડો.ઈમ્તીયાઝભાઈ વ્હોરાએ જણાવ્યું હતુ કે કમળાના દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે પરંતુ પરિસ્થીતી સંપુર્ણ રીતે કાબુમાં છે. જે દર્દીઓને કમળો પોઝીટીવ આવે છે તેઓને યોગ્ય સારવાર કરવામાં આવે છે અને તેઓની હાલત પણ અત્યારે સુધારા પર છે. આગામી દિવસોમાં કમળાના દર્દીઓ ની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી જશે.

જો તમે એચ.પી.ગેસ વાપરતા હોવ તો આ ખબર તમારા માટે અગત્યની છે..!


ezy

જો તમે એચ.પી.ગેસ સિલેન્ડર વાપરતા હોવ તો આ ખબર તમારા માટે ખુબજ રાહત ની છે. એચ.પી.સી.એલ દ્વારા ગ્રાહક લક્ષી સેવા વધારવા માટે ઈઝી ગેસ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્ડ દ્વારા ગેસ સિલેન્ડર નોંધણી સહીત ઓનલાઈન પોર્ટલ પર શોપિંગ કરતા સમયે ડીસકાઉન્ટ પણ મળશે. ઈઝી ગેસ કાર્ડ તમારા એચ.પી.ગેસ વિતરક પાસે થી માત્ર વીશ રૂપિયામાં મળી જશે. ઈઝી કાર્ડ થી ગેસ સિલેન્ડર ની નોંધણી કરાવવાનું ખુબજ આસાન બનશે. પહેલા ગેસ સિલેન્ડર બુકિંગ કરવા માટે ફોન કરવો પડતો હતો જેમાં આઈ.વી.આર.એસમાં લાંબી કેસેટ હોવાથી ગ્રાહકને ફોન થી સિલેન્ડર બુક કરવામાં મુશ્કેલી પડતી હતી જેને કારણે કેટલીક વખત ગ્રાહકોએ એજન્સીમાં રીફીલ બુકિંગ કરાવવા જવું પડતુ હતું. પરંતુ ઈઝી ગેસ કાર્ડ થી ગેસ બુક કરવાનું ખુબ આસાન છે. આ ઉપરાંત મોબાઈલ એપ્લીકેશન માંજ રીફીલ હીસ્ટ્રી, સેફ્ટી ટીપ્સ, એજન્સીના ફોન નંબર સહીત વિતરક અંગેની માહીતી ઉપલબ્ધ કરવામાં આવી છે. કંપનીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ એપ્લીકેશનમાં ભવિષ્યમાં નવા ફીચર્સ પણ સામેલ કરવામાં આવશે જેનાથી ગ્રાહકો અને વિતરકોને સરળતા સાથે આર્થિક રાહતો પણ મળશે.

ઈઝી ગેસ કાર્ડ મેળવવા મેળવવા શું કરવું ?

9347_LPG_Gas

ઈઝી ગેસ કાર્ડ મેળવવા માટે તમારા એચ.પી.ગેસ વિતરકનો સંપર્ક કરો તે તેમને રૂ.૨૦ માં ઈઝી ગેસ કાર્ડ આપશે.

ઈઝી કાર્ડ થી રીફીલ બુકિંગ કેવી રીતે કરવું..?

તમે ઈઝી ગેસ કાર્ડ મેળવો તેના પર એક ક્યુઆર કોડ દોરેલો હશે તે ક્યુઆર કોડ માત્ર સ્કેન કરી એપ્લીકેશનમાં લોગ ઈન થવી બુકિંગ ઓપશન પર માત્ર ક્લિક કરવા થી બુકિંગ થઈ જશે. તમારે ગુગલ પ્લે સ્ટોરમાં જઈ EZYSuvidha સર્ચ કરવાનું રહેશે. આમ કરવાથી ઈઝી ગેસ સુવિધા એપ્લીકેશન મળશે જે તમારા એન્ડ્રોઈડ ડીવાઈઝ માં ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લીકેશન ડાઉનલોડ કર્યા પછી લોગ ઈન કરવા તમે પ્રાપ્ત કરેલ ઈઝી ગેસ કાર્ડ પર દર્શાવેલ ક્યુઆર કોર્ડ સ્કેન કરવો પડશે ત્યાર બાદ સ્ક્રીનની જમની બાજૂ નીચેની સાઈડ ખૂણામાં એચ.પી ગેસનો લોગો દેખાશે તેના પર ક્લિક કર્યા બાદ બુકિંગ, ઈ-પાસબુક,સહીત સેફ્ટી ટીપ્સ જેવા વિવિધ ઓપશન પણ ઉપલબ્ધ થશે. બુકિંગ કરવા માટે બુકિંગ ઓપ્શન પર ટેપ કરવા થી બુકિંગ કન્ફરમેશન અંગે પુછશે જો બુકિંગ કરવું હોય તો માત્ર યસ ઓપશન ટેપ કરવાથી ગેસ સિલેન્ડર બુક થઈ જશે અને બુક યોર સિલેન્ડર સક્સેસફુલી મેસેજ વંચાશે. સાથે સાથે બુકિંગ કર્યા બાદ ડીલર કેશમેમો ક્યારે જનરેટ કરે છે અને ક્યારે તેની ડીલીવરી મળશે તે અંગે પણ એપ્લીકેશનમાં સ્ટેટસ બતાવશે.

ડીલીવરીમેન ગેસ પાસબુક માગે તો..?

ડીલીવરી મેન સિલેન્ડરની ડીલીવરી આપવા આવે તો સામાન્ય રીતે ગ્રાહક પાસે ગેસ રીફીલ પાસબુક માગે છે અને તેમાં એન્ટ્રી કરે છે પણ તમારી પાસે જો ઈઝી કાર્ડ હશે તો ડીલીવરી મેન તમારું કાર્ડ સ્કેન કરશે જેથી તમારી ડીલીવરી તમને મળી ગઈ તે અંગે કન્ફર્મ થઈ જશે.

ઈઝી સુવિધા એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લીન્ક – 

https://play.google.com/store/apps/details?id=esy.suvidha.android1.ezysuvidha&hl=en


annkut

ઉમરેઠના વાંટા વિસ્તારમાં આવેલ કાલભૈરવ મંદિરમાં ગતરોજ કાલભૈરવ દાદાને અન્નકુટ ધરાવવામાં આવ્ય હતો. કાલભૈરવ જયંતિ નિમિત્તે યોજાયેલ અન્નકુટ દર્શનનો લાભ લેવા સ્થાનિકો મોતી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કાલભૈરવદાદાનું ઉમરેઠમાં આવેલ સદર મંદિર ધાર્મિક દ્રષ્ટીએ અનન્ય મહત્વ ધરાવે છે, દાદાની પૂર્ણ ઉભી પ્રતિમાં ખુબ જૂજ મંદિરોમાં હોય છે ત્યારે ઉમરેઠમાં બિરાજમાન કાલભૈરવ દાદાના દર્શન કરી ભક્તો માનતા માની પુર્ણ કરવાનો મહીમા ધરાવે છે.

ઉમરેઠ – યુવા મોરચો શહેર ભાજપ દ્વારા જનસંપર્ક કરાયો.


yuva.jpg

ભાજપ દ્વારા ગૌરવ સંપર્ક અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરાયું છે, ત્યારે આજે ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા નગરના વાંટાસ્ટ્રીટ વિસ્તારમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે પ્રમુખ આવૃતભાઈ પટેલ અને મહામંત્રી કૌટીલ્ય બાવાવાળા સહીત મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. તેઓએ પ્રજાજનોને સરકાર ની ઉપલબ્ધીઓ અને વિકાસ કાર્યોની રૂપરેખા લોકોને સમજાવી હતી અને તેઓ સાથે સંવાદ કર્યો હતો..

ઉમરેઠ – પણસોરા ખાતે કોગ્રેસનો સ્નેહ-મિલન સમારોહ યોજાયો.


congress

ઉમરેઠ વિધાનસભા ક્ષેત્રમાં કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધનને લઈ નકારાત્મક અટકળો વચ્ચે છેલ્લા કેટલાક મહીનાથી કોગ્રેસ દ્વારા ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં સ્નેહ મિલન સંમેલન અને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. તાજેતરમાં ઉમરેઠના પણસોરા ખાતે કોગ્રેસનું સ્નેહ મિલન સંમેલન મળ્યું હતુ આ સમયે મુખ્ય મહેમાન પદે આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા, કાન્તિભાઈ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કપીલાબેન ચાવડા,નટવરસિંહ મહીડા, ઉમરેઠ તા.કો.સમિતિના પ્રમુખ ગોપાલ ચાવડા, યુનુસભાઈ વ્હોરા , વિપુલભાઈ ઠાકોર અને ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ગાયત્રીદેવી ચૌહાણ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા.આ સમયે કાર્યકરોને સંબોધન કરતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતુ કે આગામી સમયમાં કોગ્રેસ દ્વારા ડોર ટુ ડોર જનસંપર્ક કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતુ કે અત્યાર સુધીની તમામ વિધાનસભા ચુંટણીમાં ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં કોગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું છે, મતદારો કોગ્રેસ પર વર્ષો થી વિશ્વાસ રાખી રહ્યા છે ત્યારે આવનાર ચુંટણીમાં પણ મતદારો કોગ્રેસ પર વિશ્વાસ રાખશે તેવી તેઓએ આશા વ્યક્ત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ કપીલાબેન ચાવડાએ સંબોધન કરતા જણાવ્યું હતુ કે, ભાજપ કહે છે કે, ૬૦ વર્ષમાં કોગ્રેસે કશું કર્યું નથી પણ જિલ્લામાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ કોગ્રેસની જ દેન છે.

જાણો ઉમરેઠમાં ક્યારે આવશે ડી.વાય.એસપી ની કચેરી..?


ઉમરેઠમાં ડી.વાય.એસપીની કચેરી..? હા, ઉમરેઠમાં ડી.વાય.એસ.પીની કચેરી બનવાની હતી, ગૃહ ખાતના સદર નિર્ણયનો અમલ થાય તે પહેલા ચુંટણી જાહેર થઈ જતા હવે આ કાર્ય ચુંટણી બાદ થશે તેમ લાગી રહ્યું છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસની કામગીરીને વિસ્તૃત બનાવવા તેમજ ભારણ ઓછું કરવા માટે અઢી મહિના પહેલાં સમગ્ર રાજ્યમાંથી સીપીઆઈની પોસ્ટ નાબૂદ કરી દઈને વધુ ડીવાયએસપી કચેરીઓ ખોલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થઈ જતાં હવે સમગ્ર મામલો ટલ્લે ચઢી જવા પામ્યો છે. હવે ચૂંટણી પત્યા બાદ આ નિર્ણયનો અમલ થાય છે કે નહીં તેના પર સૌની નજરો સ્થિર થવા પામી છે. આણંદ ડિવિઝનમાંથી ભાલેજ, ઉમરેઠ, ખંભોળજ અને વાસદ પોલીસને અલગ કરીને ઉમરેઠ ડીવાયએસપી કચેરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.  જેને લઈને હવે સમગ્ર કામગીરી ચૂંટણી પત્યા બાદ જ હાથ ધરવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે. ઉમરેઠ અને બોરસદમાં રાજ્યના બાંધકામ વિભાગ સાથે પરામર્શ કરીને આ બન્ને શહેરોમાં નવી બિલ્ડીંગો બનાવીને કે પછી કોઈ જૂની સરકારી બિલ્ડીંગ ખાલી હોય તો ત્યાં રીનોવેશન કરાવ્યા બાદ તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરીને કચેરીઓ ચાલુ કરી દેવામાં આવશે. હાલ તો સમગ્ર તંત્ર ચૂંટણીમાં વ્યસ્ત થઈ જવા પામ્યું છે. ૨૫મી ડિસેમ્બર બાદ નવી કચેરીઓનું કામકાજ ચાલુ થશે અને સંભવત: ૨૦૧૭ના અંતમા ઉમરેઠ અને બોરસદ નવી ડીવાયએપી કચેરીઓ અમલમાં આવી જશે તેમ કહેવાઈ રહ્યું છે.

જાણો ઉમરેઠના ભાટપુરામાં કેમ શિક્ષકોને નોટિશ ફટકારાઈ..?


દિવાળી વેકેશન બાદ ઉમરેઠ તાલુકામાં શિક્ષણ કાર્યની સમિક્ષા કરવા માટે ડીડીઓ દ્વારા ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી હતી. દિવાળી વેકેશન બાદ પ્રથમ દિવસે જ ડીડીઓ દ્વારા શાળાની મુલાકાત કરવામાં આવતા શિક્ષકો ભોઠા પડ્યા હતા. શાળામાં ગંદકી હતી અને સાફ સફાઈનો સદંતર અભાવ દેખાયો હતો અને શાળામાં માત્ર પાંચ વિદ્યાર્થીઓ જ હાજર હતા. ડીડીઓની સર્પ્રાઈઝ વિઝીટમાં ફલીત થયુ હતુ કે શાળામાં સાફ-સફાઈ તેમજ વિદ્યાર્થીઓને હાજરીને લઈ શાળા તંત્ર દ્વારા લાલીયાવાડી થઈ રહી છે જે થી તાબડતોપ તેઓએ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને આ અંગે જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણને લઈ બાળકો જાગૃત થાય અને શાળા તંત્ર વ્યવસ્થીત પોતાની જવાબદારી નિભાવે તે હેતુ થી જિલ્લા વિકાસ અધિકારી અમીત યાદવે ઝુંબેશ હાથ ધરી છે જેના ભાગરૂપે ડીડીઓ દ્વારા શાળાની અચિંતી મુલાકાત કરાઈ હતી. ડીડીઓના રીપોર્ટને આધારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ભાટપુરા શાળાના ૧૧ શિક્ષકોને નોટિશ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે. શિક્ષકોએ જણાવ્યું હતુ કે દિવાળી વેકેશન બાદ પ્રથમ દિવસ હોવાને કારણે સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવ્યા ન હતા, શાળામાં ૩૬૦ વિદ્યાર્થીઓ પૈકી માત્ર પાંચ વિદ્યાર્થીઓ જ શાળામાં આવ્યા હોવાને કારણે ડી.ડી.ઓએ શાળા તંત્રના વહીવટ અંગે સવાલ ઉઠાવ્યા હતા અને શાળામાં વિદ્યાર્થીઓની હાજરી વધારવા શિક્ષકો દ્વારા લાલીયાવાડી કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.

ઉમરેઠ – ભાજપ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો.


ઉમરેઠ વિધાનસભાની બેઠક પર વિવિધ ગામમાં જનસંપર્ક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ઉમરેઠમાં વિષ્ણુભાઈ પટેલ તેમજ પ્રકાશભાઈ પટેલ સહીત કાર્યકરો દ્વારા જનસંપર્ક કરવામાં આવ્યો હતો. જનસંપર્કના પહેલા દિવસે ઉમરેઠ,ઓડ,ભાલેજ સહીત આજૂબાજુના ગામમાં રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા અને દિપકભાઈ પટેલ(સાથી)ની ઉપસ્થીતીમાં સ્થાનિક કાર્યકરો સાથે જનસંપર્ક કરવામાં આવ્યો હતો. આજે બીજા દિવસે થામણા,ઉંટખરી,ઘોરા,ખાનકુવા સહીત અન્ય ગામો અને પરાઓમાં જનસંપર્ક કરાયો હતો જેમાં ભૃગુરાજસિંહ ચૌહાણ, સહીત દિપકભાઈ પટેલ અને સુજલ શાહ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મંગળવાર થી શરૂ થયેલ જનસંપર્ક કાર્યક્રમ સાથ દિવસ સુધી ચાલશે જેમાં વિધાનસભાના તમામ વિસ્તારોમાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઘરે ઘરે પહોંચી સરકારની ઉપલબ્ધી પ્રજાજનોને જણાવશે.

ઉમરેઠ – આમ આદમી પાર્ટી દ્વારા નોટબંધી અંગે વિરોધ પ્રદર્શન


aamaadmi01n.jpg

ઉમરેઠમાં આજે બસ સ્ટેશન વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા નોટબ્ંધી દિન નિમિત્તે નોટબંધી અંગે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ સમયે આણંદ જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠનના હોદ્દેદારો સહીત ઉમરેઠ આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુભાઈ પટેલ અને મુકેશભાઈ પટેલ તેમજ કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા અને સરકારના નોટબંધીના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. નોટબંધી સમયે અગમ્ય કારણ થી મૃત્યુ પામનાર પ્રજાજનોને શ્રધ્ધાંજલિ વ્યક્ત કરી હતી અને નોટબંધી ને કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે અને કાળું નાણું હજૂ પણ પાછુ આવ્યું નથી તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિરોધ પરદર્શનમાં ગણ્યા ગાઠ્યા કાર્યકરો હોવાને કારણે નક્કી સમય થી મોડું વિરોધ પ્રદર્શન શરૂ થયું હતુ, હજૂ ઉમરેઠમાં આમ આદમી પાર્ટી પા પા પગલી કરી રહ્યું છે, ત્યારે સૌ કોઈ તેને ખુબજ હળવાશ થી લઈ રહ્યું છે.

એરટેલ મોબાઈ ધારકોની એલ.પી.જી સબસીડી એરટેલ બેન્કમાં જમા થતા ગ્રાહકો પરેશાન.


– એરટેલ બેંક અંગે ગ્રાહકો અજાણ , કઈ રીતે અને ક્યાં ટ્રાન્જેક્શન કરવું તે પણ નથી ખબર.

જો તમે એરટેલના મોબાઈલ ધારક છો તો તમારી એલ.પી.જી સબસીડી તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય છે કે નહી તે આજે જ ચકાસી લેજો. કેમ કે કેટલાય એરટેલ મોબાઈલ ધારકોની એલ.પી.જી સબસીડી તેમના રેગ્યુલર બેંક એકાઉન્ટ ની જગ્યાએ  એરટેલ પેઈમેન્ટ બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે, દુવિધાની વાત તો તે છે કે ગ્રાહકોનું એરટેલ બેંક એકાઉન્ટ કેવી રીતે ખુલ્યુ તે અંગે ખુદ ગ્રાહકો પણ અંધારામાં છે, એરટેલ બેંકમાં પડેલ રકમ કેવી રીતે મેળવવી તે પણ ગ્રાહકો જાણતા નથી. એલ.પી.જીના ભાવ આસમાન અડી રહ્યા છે ત્યારે એલ.પી.જી સબસીડીને લઈ ગ્રાહકો સજાગ બન્યા છે, પોતાની એલ.પી.જી સબસીડી કયા બેંકમાં ક્યારે અને કેટલી જમા થઈ છે તે જાણવા ગ્રાહકો એલ.પી.જી વિતરક અને બેંક વચ્ચે ફુટબોલની જેમ ફંગોળાતા હોય છે. તાજેતરમાં એલ.પી.જી ધારકોને સબસીડીને લઈ એક નવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે એલ.પી.જી ગ્રાહકો એરટેલનું મોબાઈલ કનેક્શન ધારણ કરતા હોય તેઓની એલ.પી.જી સબસીડી એરટેલ બેંકમાં જમા થઈ રહી છે, ગ્રાહકોને તેઓના રેગ્યુલર બેંક એંકાઉન્ટમાં સબસીડી ન મળતા ગેસ વિતરક પાસે આ અંગે પુચ્છા કરતા તેઓને તેમની સબસીડી એરટેલ બેંકમાં મળતી હોવાનો જવાબ મળે છે. ગ્રાહકોની ધ્યાન બહાર તેઓની સબસીડી સીધી એરટેલ બેંકમાં જમા થઈ જાય છે, એરટેલ બેંકનો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે તેમાં થી પૈસા ઉપાડવા તે અંગે પણ તેઓ અજાણ છે એક તરફ ગેસના ભાવ આસમાને છે ત્યારે સબસીડી માટે ગ્રાહકોએ ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. એલ.પી.જી ધારક ભીખાભાઈ પટેલ (સુંદલપુરા,તા.ઉમરેઠ)એ જણાવ્યું હતુ કે તેઓની સબસીડી અત્યાર સુધી બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં જમા થતી હતી છેલ્લા બે મહીના થી તેઓની સબસીડી બેંક એકાઉન્ટમાં ન આવતા ગેસ એજન્સીમાં આ અંગે તપાસ કરી હતી જ્યાંથી તેઓની સબસીડી એરટેલ બેંક એકાઉન્ટમાં જમા થાય છે તેવો જવાબ મળ્યો હતો. તેઓએ ઉમેર્યું હતુ કે તેઓનું એરટેલ બેંક એકાઉન્ટ છે તે અંગે તેઓને જાણકારી પણ નથી પણ મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લીન્ક કરાવ્યું હોવાનું તેઓએ કબુલ્યું હતુ. તો શું એરટેલ મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લીન્ક કરવા થી તેઓનું બેંક એકાઉન્ટ ખુલી જતુ હશે..? આ અંગે ગ્રાહકને વિશ્વાસમાં લેવાતા હશે..? તેમ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

જે બેંકમાં છેલ્લે આધાર લીન્ક થયું હોય તેમાં સબસીડી પડે..!

ગ્રાહકોની એલ.પી.જી સબસીડી સીધી એરટેલ બેંક એકાઉન્ટમાં જમા થતી હોવાની વાતને સમર્થન આપતા ઉમરેઠના એલ.પી.જી વિતરક મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતુ કે સરકારી નિયમ મુજબ ગ્રાહક જે બેંક એકાઉન્ટમાં છેલ્લે આધાર કાર્ડ લીન્ક કરાવે તે ખાતામાં એલ.પી.જી સબસીડી જમા થાય છે. હાલમાં મોબાઈલ સાથે આધારકાર્ડ લીન્ક કરવાનું હોય છે અને એરટેલના મોબાઈલ ધારક તેઓનું આધારકાર્ડ મોબાઈલ સાથે લીન્ક કરાવે એટલે એરટેલ બેંક એકાઉન્ટ ખુલી તેમાં તેઓનું આધાર લીન્ક થાય છે જેથી તેઓની સબસીડી એરટેલ બેંકમાં જમા થતી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતુ કે આ અંગે એરટેલના અધિકારીઓ વધુ પ્રકાશ પાડી શકે છે.

ઉમરેઠ – શ્રી ગીરીરાજધામ ખાતે ભવ્ય અન્નકુટ મહોત્સવનું આયોજન


જગદગુરૂ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર પુ.પા.ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી(કામવન)ની આજ્ઞાથી ચિ.ગો.શ્રી.દેવકીનંદજી બાવાશ્રી (દેવેશબાવા) તથા ચિ.ગો.શ્રી.વિઠ્ઠલનાથજી બાવાશ્રીના સાનિધ્યમાં તા.૧૯.૧૧.૨૦૧૭ને રવીવારના રોજ હરીશભાઈ ચીમનલાલ પટેલના મુખ્ય મનોરથી પદે ભવ્ય અન્નકુટ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બપોરે ૧૨ કલાકે શ્રી ગીરીરાજધામ ખાતે ગોવર્ધનપુજા, તેમજ સાંજે ૪ કલાકે અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય અન્નકુટ પ્રસંગે સાંજે ૬ કલાકે મહાપ્રસાદ નું પણ આયોજન કરેલ છે. આ દિવ્ય મનોરથમાં દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા વૈષ્ણવ સમાજના લોકોને આમંત્રણ છે. સમગ્ર કાર્યક્રમની તૈયારી તેમજ આયોજન માટે તાજેતરમાં ચિ.ગો.શ્રી.દેવકીનંદજી બાવાશ્રી (દેવેશબાવા)ની આગેવાની હેઠળ એક બેઠક મળી હતી જેમાં તેઓએ વૈષ્ણવ કાર્યકરોને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ અને દિવ્ય મહોત્સવને સફળતા પૂર્વક પુરો કરવા આશિર્વાદ પાઠવ્યા હતા.

ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા આયોજિત મારા ઘરની રંગોળી સ્પર્ધાનું પરિનામ જાહેર કરાયું.


આર્ટ શિક્ષક વિમલભાઈ પટેલ દ્વારા શ્રેષ્ઠ રંગોળી પસંદ કરાઈ.

ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા આયોજીત મારા ઘરની રંગોળી સ્પર્ધાના પરિનામો આજે ઉમરેઠ ખાતે જ્યુબિલિ સ્કૂલના આર્ટ શિક્ષક વિમલભાઈ પટેલના નિર્ણાયક પદે જાહેર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે વાઘબારસ થી બેસતા વર્ષ સુધી જ્ઞાતિની મહીલાઓ દ્વારા પોતાના ઘર આંગણે બનાવેલ રંગોળી તેમજ એક સેલ્ફી સાથે દોઢસો જેટલી રંગોળીઓ સ્પર્ધામાં હતી જે ને ત્રણ રાઉન્ડમાં વિવિધ સ્તરે પસંદ કરી આખરે ચોથા ફાઈનલ રાઉન્ડમાં એ ગૃપમાં પાંચ તેમજ બી ગૃપમાં પાંચ શ્રેષ્ઠ રંગોળી પસંદ કરી વિજેયતા જાહેર કર્યા હતા. ગૃપ-એ માં પ્રથમ ક્રમાંકે રીયા વિપુલભાઈ ગાંધી, બીજા ક્રમાંકે હેમાલી એમ.શાહ, ત્રીજા ક્રમાંકે આયુષી બંકીમભાઈ શાહ, ચોથા ક્રમાંકે આશ્વી વિવેકકુમાર ગાંધી તેમજ પાંચમાં ક્રમાંકે શ્રુષ્ટી જૈમિનભાઈ તલાટી (ભરૂચ)ને વિજેયતા જાહેર કરાયા હતા. જ્યારે ગૃપ-બીમાં પ્રથમ ક્રમાંકે વૃત્તિ દ્વારકેશભાઈ શાહ, બીજા ક્રમાંકે નિયતી નિરવભાઈ શાહ, ત્રીજા ક્રમાંકે રીચા પીનાકીનભાઈ શેઠ, ચોથા ક્રમાંકે ભારતીબેન મુકેશભાઈ શાહ, તેમજ પાંચમાં ક્રમાંકે પ્રિયલ મિતેષભાઈ શાહને વિજેયતા જાહેર કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુષણ બાવાવાળા તેમજ સમર્થ દોશીએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના સભ્યોએ નિર્ણાયક પદે સેવા આપનાર વિમલભાઈ પટેલ તેમજ તમામ સ્પર્ધકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

જાણો ઉમરેઠમાં પોલીસ તેમજ બી.એસ.એફનો કાફલો કેમ નગરના બજારોમાં ફર્યો..?


ઉમરેઠ નગરમાં સમી સાંજના સમયે અચાનક ઉમરેઠ પોલીસની આગેવાનીમાં બી.એસ.એફના જવાનો તેમજ ઉમરેઠના પોલીસ કર્મીઓ દ્વારા માર્ચ કરવામાં આવી હતી. અચાનક ઉમરેઠના બજારોમાં પોલીસ કાફલા અને બી.એસ.એફના જવાનો દ્વારા માર્ચ કરવામાં આવતા નગરમાં કૂતૂહલ ફેલાયું હતુ. આ અંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ.જે.ચૌહાણે જણાવ્યું હતુ કે, આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં ગુજરાત રાજ્ય વિધાનસભા 2017 ની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મતદાતાઓ ભય મુક્ત થઈ મતદાન કરી શકે તે હેતુસર આણંદ વિભાગના ડીવાયએસપી શ્રી બી.ડી. જાડેજા સાહેબ તથા સી.પી.આઇ. શ્રી એલ.પી. વાઘેલા સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ઉમરેઠ પોલીસ સ્ટેશનના સિનિયર પી.એસ.આઈ શ્રી  એ.જે ચૌહાણ  તથા પી.એસ.આઇ. શ્રી બી. એસ.રાઠોડ  ની આગેવાનીમાં ઉમરેઠ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તથા સી.આર.પી.એફ. ના જવાનો દ્વારા ઉમરેઠ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ફલેગમાર્ચ યોજવામાં આવી.

 
 

ઉમરેઠ ડાકોર માર્ગ પર સી.એન.જી કાર આગમા લપેટાઈ


કાર ચાલકે સમય સુચકતા વાપરી કાર બહાર આવી ગયો.

n.jpg

ઉમરેઠ ડાકોર માર્ગ પર અંબિકા સોસાયટી પાસે ઉમરેઠ થી ડાકોર તરફ જતી મારૂતિ-૮૦૦ કારમાં અચાનક ભયાનક આગ લાગી હતી. કાર ચાલકે સમય સુચકતા વાપરી તુરંત કાર બહાર નિકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ મિતેષભાઈ મહેરા નામનો વ્યક્તિ મારૂતિ-૮૦૦ કાર લઈ બાલાશિનોર જઈ રહ્યો હતો ત્યારે ઉમરેઠ અંબિકા નગર સોસાયટી પાસે અચાનક તેઓની સી.એન.જી કારમાં આગ લાગી હતી અને સ્થળ પર કાર બળીને રાખ થઈ ગઈ હતી રસ્તા વચ્ચે કાર સળગતી જોઈ કૂતુહલવસ અન્ય વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા પરંતુ કાર ચાલક સહીસલામત હોવાને કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોની ચર્ચાને ધ્યાનમાં લઈયે તો કારમાં સી.એન.જી કીટ હોવાને કારણે શોટ શર્કીટ થી આગ લાગી હશે તેમ લાગી રહ્યું છે.

ઉમરેઠ – આવી રીતે સુધારી આ સંસ્થાએ ગરીબોની દિવાળી..!


P_20171019_091453

દિવાળીના ટાણે સૌ કોઈના ઘરે અવનવી મીઠાઈ અને નાસ્તાની ભરમાર થઈ જાય છે. કયો નાસ્તો ખાવો અને કયો ના ખાવો ત સવાલ ઉઠતો હોય છે, પરંતુ ગરીબોના ઘરમાં મિઠાઈની ભરમાર તો શું, મિઠાઈનો એક કટકો પણ નથી હોતો તેમના માટે દિવાળી કે સામાન્ય દિવસ બધુ સરખુ જ હો છે, ત્યારે ઉમરેઠની જીવન આધાર સેવા સંકુલ દ્વારા નગરના ગરીબ અને વયોવૃધ્ધ એકલવાયું જીવન જીવતા લોકોના મુખ પર સ્મીથ લાવવા અને દિવાળીમાં તેઓ પણ સારો નાસ્તો અને મિઠાઈ નો આનંદ લઈ શકે તે હેતુ થી મિઠાઈ અને નાસ્તાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જીવન આધાર સેવા સંકુલના હરિવદનભાઈ શાહએ જણાવ્યું હતુ કે, દિવાળી પર્વને ધ્યાનમાં રાખી ગરીબોને ઘરે ઘરે જઈ સ્વહસ્તે મિઠાઈ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેને કારણે ગરીબોના મુખ પર સ્મીત આવી ગયું હતું. 

ક્ષત્રિય મતદારનું પ્રભુત્વ ધરાવતી ઉમરેઠ બેઠક પર બ્રાહ્મણ ઉમેદવારોનો દબદબો..!


૬ વખત બ્રાહ્મણ ઉમેદવાર, ૪ વખત ક્ષત્રિય ઉમેદવાર અને ૨ વખત પટેલ ઉમેદવાર ઉમરેઠ બેઠક પર થી વિજેયતા થયા હતા.

 આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીન મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક ઉપર ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે જેને પગલે અનુક્રમે ૧૯૬૨,૧૯૬૭,અને ૧૯૭૨માં ક્ષત્રિય ઉમેદવાર અને હાલના આણંદ જિલ્લા રાજ્ય સભા સાંસદ લાલસિંહ ઉદેસિંહના પિતાજી ઉદેસિંહ વીરસિંહ વડોદિયા વિજેયતા થયા હતા. ત્યાર બાદ ૧૯૭૫માં હરીહર ખંભોળજાની જીત થયા બાદ ૧૯૮૦માં પણ તેઓનો વિજય થયો હતો અને ૧૯૮૫માં હરીહરભાઈ ખંભોળજાના પત્નિ કુસુમબેન ખંભોળજા વિજેયતા થયા હતા. ત્યારબાદ ૧૯૯૦,૧૯૯૫ અને ૧૯૯૮ની ઉમરેઠ વિધાનસભાની ચુંટણીમાં સતત ત્રણ વખત જનતાદળ અને કોગ્રેસ પક્ષ માંથી સુભાષભાઈ શેલત વિજેયતા થયા હતા. એટલે કે ૧૯૭૫ થી ૧૯૯૮ સુધી ઉમરેઠ વિધાનસભા બેઠક પર બ્રાહ્મણ ઉમેદવારો હરીહર ખંભોળજા, કુસુમબેન ખંભોળજા અને સુભાષભાઈ શેલતનો દબદબો રહ્યો હતો. ઉમરેઠ બેઠક પર ક્ષત્રિય મતદારો અને બ્રાહ્મણ ઉમેદવારોનું વર્ચસ્વ હોવા છતા ૨૦૦૨માં ભાજપે ઉમરેઠના સ્થાનિક વિષ્ણુભાઈ પટેલને ટીકીટ આપી હતી અને તેઓનો વિજય થયો હતો. આ સમયે પ્રથમ વખત ઉમરેઠ બેઠક ભાજપને મળી હતી તેમાં તેઓએ બ્રાહ્મણ ઉમેદવારને પરાજય આપ્યો હતો. વધુમાં ૨૦૦૭ની વિધાનસભા ચુંટણીમાં લાલસિંહ વડોદીયા કોગ્રેસમાં જોડાઈ ગયા હતા અને ભાજપે ૨૦૦૨માં વિજેયતા થયેલા વિષ્ણુભાઈ પટેલને રીપીટ કર્યા હતા આ સમયે લાલસિંહભાઈ વડોદિયાનો વિજય થયો હતો, છેક ૧૯૭૨ બાદ ૨૦૦૭માં ક્ષત્રિય ઉમેદવાર અને તે પણ વડોદીયા પરિવારના સભ્યનો ઉમરેઠ બેઠક પર વિજય થયો હતો. ૨૦૦૭ બાદ ૨૦૧૨માં ઉમરેઠ વિધાનસભા બેઠકનું સિમાંકન બદલાઈ ગયું હતું, સારસા વિધાનસભા બેઠકના લગભગ ૧૪ જેટલા ગામ ઉમરેઠ વિધાનસભા બેઠકમાં ઉમેરાઈ ગયા હતા આ સમયે કોગ્રેસ અને એન.સી.પી દ્વારા ગઠબંધન થતા ઉમરેઠ બેઠક પર ભાજપ અને એન.સી.પી વચ્ચે જંગ થયો હતો, ભાજપે ક્ષત્રિય મતદારોને ધ્યાનમાં રાખી સારસા વિધાનસભા બેઠક પર એક વખત ચુંટણી જીતેલા ગોવિંદભાઈ પરમારને એન.સી.પીના જયંત પટેલ સામે ઉભા રાખ્યા હતા, આ વખતે પણ જ્ઞાતિનું સમિકરણ ખોટું પડ્યું હતુ અને એન.સી.પીના પટેલ ઉમેદવાર જ વિજેયતા થયા હતા. આમ ઉમરેઠ વિધાનસભાના મતદારો સુઝ બુઝથી તેઓને યોગ્ય લાગે તેવા જ ઉમેદવાર તરફેણમાં મતદાન કરે છે. ઉમરેઠ બેઠક ઉપર જ્ઞાતિના સમિકરણો નો છેદ ઉડી જાય છે. આગામી વિધાનસભા ચુંટણીમાં પાછલી ચુંટનીઓની આંકડાકીય માહીતી જોઈ કદાચ આગામી ચુંટણીમાં પણ રાજકિય પક્ષો જ્ઞાતિના સમિકરણને માળીયે મુકી યોગ્ય ઉમેદવારને ટીકીટ આપે તો નવાઈ નહી. ક્ષત્રિય મતદારો વધારે હોવા છતા પણ ઉમરેઠ બેઠક પર પટેલ અને બ્રાહ્મણ ઉમેદવારોની જીત ને લઈ રાજકિય પક્ષો દ્વારા મનોમંથન કરી ને યોગ્ય ઉમેદવાર પસંદ કરવામાં આવે તો નવાઈ નહી.

જાણો કેમ ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપની ટીકીટ મેળવવા ઉમેદવારો તલપાપડ..?


આગામી વિધાનસભાની ચુંટણી આગામી ડીસેમ્બર માસમાં નક્કી છે ત્યારે તમામ રાજકિય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારને પસંદ કરવાની પ્રક્રીયા શરૂ કરી દીધી છે. ભાજપે પહેલા રાઉન્ડમાં નિરક્ષકો પાસે ચુંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ લેવાનો તબક્કો પણ પૂર્ણ કરી દીધો છે. ઉમરેઠ બેઠક માટે ભાજપ પક્ષ માંથી ચુંટણી લડવા લગભગ ૧૦ થી પણ વધુ દાવેદારોએ પોતાની જીતની સંભાવનાના વિવિધ સમિકરણો સાથે નિરીક્ષકોને પોતાના બાયોડેટા સોપી દીધા છે. કેટલાક ઉમેદવારો દ્વારા મોવડી મંડળના અગ્રણીઓ સાથેના પોતાના સબંધોનો ઉપયોગ કરી લોબીંગ પણ શરૂ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૨ બાદ ઉમરેઠ બેઠક પર ભાજપનો ક્યારે પણ વિજય થયો નથી. ઉમરેઠ પહેલે થી કોગ્રેસનો ગઢ બની ગયું છે, તે વાત અલગ છે કે સ્થાનિક ઉમરેઠનો રૂખ ભાજપ તરફી છે પરંતુ વિધાનસભા ચુંટણીમાં સ્થાનિક ઉમરેઠના વધુ મત મેળવનાર ઉમેદવાર મોટા ભાગના કિસ્સામાં હારતા હોવાનું પણ આંકડા ચાડી ખાઈ રહ્યા છે. આ વખતે એન.સી.પી અને કોગ્રેસના ગઠબંધન ને લઈ પ્રશ્નાર્થ છે, જેથી કોગ્રેસના મતનું વિભાજન થવાથી દેખીતી રીતે ભાજપને ફાયદો થશે જે ગણતરી ને લઈ ભાજપ માંથી ચુંટણી લડવા માટે ભાજપના કાર્યકરોના મોં માં લડ્ડૂં ફુટ્યા છે. હાલમાં ઉમરેઠ બેઠક માટે સ્થાનિક સંગઠન દ્વારા ઉમરેઠનો સ્થાનિક ઉમેદવાર મેદાનમાં લાવવા માટે કસરત થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજૂ તે દૂવિધા છે કે જો સ્થાનિક ઉમેદવાર ક્ષત્રિય નહી હોય તો કોગ્રેસ અને એન.સી.પી ની લડાઈનો ફાયદો ભાજપ ન પણ ઉઠાવી શક અને ગણતરી થી વિપરીત પરિનામ પણ ભોગવવું પડે. હાલમાં ઉમરેઠ બેઠક કબજે કરવા માટે ભાજપ દ્વારા મરણીયો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે માટે સમગ્ર પક્ષના કાર્યકરોને સાથે લઈ આગળ વધે તેવો અને એન.સી.પીના હાઈપ્રોફાઈલ નેતા જયંત બોસ્કીને હરાવવા સક્ષમ ઉમેદવાર શોધવા માટે ભાજપ દ્વારા મનોમંથન થઈ રહ્યું છે.

જાણો ઉમરેઠના ભર બજારમાં ચેઈન સ્નેચીંગ કરી ભાગતા ગઠીયો કેવી રીતે પકડાયો..?


– નાશિકવાળા હોલ પાસે થી વૃધ્ધ મહીલાનો સોનાનો અછોડો તોડી બાઈક સવાર ભાગ્યા હતા,બહાદુર યુવાનોએ તેઓને પકડી પોલીસને હવાલે કર્યા..!
 
IMG-20171014-WA0021 (1).jpg
ઉમરેઠ નગરમાં એક તરફ ચોરીના ઉપરા છાપરી બનાવો બની રહ્યા છે ત્યારે હવે ચેઈન સ્નેચરો પણ છાગટા બન્યા છે જેને કારને તહેવારના સમયે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. આજે ઉમરેઠ નગરના ઓડ બજાર વિસ્તારમાં આવેલ નાશિકવાળા હોલ પાસેથી પસાર થતી પ્રેમીલાબેન સુરેશભાઈ શાહ (ચાંગ) ગલાગોઠડીયા પોળમાં આવેલા મહીલા મંડળ માંથી ભજન કિર્તન પૂર્ણ કરી ઘર તરફ જઈ રહ્યા હતા તેવામાં બે બાઈક સવાર ગઠીયાએ તેઓનો સોનાનો દોરો આંચકી લીધો હતો, આ સમયે પ્રેમીલાબેનએ બૂમા બૂમ કરતા રજ્જાકભાઈ ફૂલવાળા અને યુસુફભાઈ વ્હોરાએ આ વૃધ્ધ મહીલાની બુમો શાંભળી અછોડો તોડી જતા બાઈક સવાર નો ફિલ્મી ઢબે પીછો કરી કૃષ્ણ સોસાયટી સામે થી પકડી પાડ્યા હતા, IMG-20171014-WA0020 (1).jpgબાઈક ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો જ્યારે બાઈક પાછળ બેઠેલો યુવાનને ઉમરેઠના રજ્જાકભાઈ ફૂલવાળા અને યુસુફભાઈ વ્હોરાએ પકડી પાડ્યો હતો. જોત જોતામાં આ વિસ્તારમાં લોકોનું ટોળું એકઠું થઈ જતા લોકોએ આ ચેઈન સ્નેચરને મેથીપાક ચખાડ્યો હતો. જ્યારે ઘટનાનો ભોગ બનનાર પ્રેમીલાબેન સુરેશભાઈ શાહ (ચાંગ)ના પરિવારજનોને આ અંગે જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ચેઈન સ્નેચરને પોલીસને હવાલે કરવા લોકોને અપીલ કરી હતી. લોકોએ આ ચેઈન સ્નેચરને પોલીસને હવાલે કરતા ઉમરેઠ પોલીસે આ અંગે વધુ પુછપરછ હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉમરેઠમાં ચોરીના બનાવો બાદ હવે ચેઈન સ્નેચરો તહેવારના ટાણે સક્રીય થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. 

ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા સેલ્ફી વીથ રંગોળી સ્પર્ધાનું આયોજન


– સમગ્ર ખડાયતા જ્ઞાતિની દેશ-વિદેશમાં રહેતી મહીલાઓ ભાગ લઈ શકશે.

selfi_w_rangooli.jpg

ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા વાઘબારસ થી બેસતાવર્ષ સુધી સેલ્ફી વીથ રંગોળી સ્પર્ધાનું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આયું છે. આજે પ્રથમ દિવસ થીજ જ્ઞાતિની મહીલાઓ અને યુવતિઓ દ્વારા સેલ્ફી વીથ રંગોળી સ્પર્ધા માટે એન્ટ્રી મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે ભુષણ બાવાવાળાએ જણાવ્યું હતુ કે ખડાયતા જ્ઞાતિની યુવતિઓ અને મહીલાઓને પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે સ્ટેજ મળે અને તેઓ પોતાની આંતરીક આવડત બહાર લાવી શકે તે હેતુ થી ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા સેલ્ફી વીથ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ ઉમેર્યું હતુ કે સદર સ્પર્ધા અંતર્ગત માત્ર ઉમરેઠ જ નહી દેશ વિદેશમાં રહેતી કોઈપણ ખડાયતા યુવતિઓ ભાગ લઈ શકશે તેઓએ આ સ્પર્ધામાં ભાગ લેવા પોતે બનાવેલ રંગોળીના ફોટા નિયત કરેલ વોટ્સઅપ નંબર પર મોકલવાના રહેશે. સ્પર્ધક એક કરતા વધુ રંગોળી પણ મોકલી શકે છે, જેટલી વધુ રંગોળી હશે તેટલા તેઓના જીતવાના ચાન્સ વધી જશે. ઉલ્લેખનીય છે કે, વાઘબારસ થી બેસતાવર્ષ સુધીના દિવસોમાં પોતાના ઘરના આંગણે મહીલાઓ રંગોળી કરતી હોય છે જેને ઘરે આવતા મહેમાનો જોઈ શકે છે, આ રંગોળીને વિશ્વ ફલક ઉપર પ્રદર્શીત કરવા ઉમરેઠ ખડાયતા યુવા સંગઠને અનેરો પ્રયાસ કર્યો છે, સ્પર્ધા દરમ્યાન પ્રાપ્ત થયેલ તમામ રંગોળી ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના ફેશબુક પેજ પર પ્રદર્શીત કરવામાં આવશે. સદર સ્પર્ધામાં ઉમરેઠ જ્યુબિલિ સ્કુલના આર્ટ શિક્ષક વિમલ પટેલ નિર્ણાયક તરીક સેવા આપનાર છે. સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના ભુષણ બાવાવાળા,કૌટીલ બાવાવાળા અને સમર્થ દોશી સહીતના  સભ્યોએ જહેમ ઉઠાવી રહ્યા છે.

rangoliinrangoolin

%d bloggers like this: