આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: ઉમરેઠની નવા-જૂની

ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી


 j_umreth01J_umreth_2

ઉમરેઠ જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલીત ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી શાળા પટાંગણમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સમારોહના આશિર્વચનદાતા પદે બ્ર.કુ.જાગૃતિબેન, અધ્યક્ષ પદે નવીનભાઈ ચીમનલાલ સુત્તરીયા(મુંબઈ)મુખ્ય મહેમાન પદે વિકેશભાઈ જયંતિલાલ સુત્તરીયા (અમદાવાદ) તેમજ અતિથિ વિશેષ પદે ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી), પરમાનંદભાઈ જે. પટેલ(સૂર્ય પરિવાર-ઓડ),જગદીશભાઈ શ્રોફ,કિરીટભાઈ ચંપકલાલ ગાભાવાળા સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ શૈક્ષણિક ક્ષેત્ર્રે અગ્રેસર તેવી ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલની પ્રશંશા કરતા જણાવ્યું હતુ કે, આ શાળામાં અભ્યાસ કરી ચુકેલા કેટલા વિદ્યાર્થીઓ આજે સમાજમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. ઉમરેઠની જ્યુબિલી સ્કૂલ દ્વારા વર્ષોથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્ર સહીત સમાજમાં ગૌરવભેર રહેવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે જે બહુમુલ્ય છે.

ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી)એ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતુ કે ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલ દ્વારા વર્ષોથી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનું સિંચન કરવામાં આવે છે તે ધન્યતાને પાત્ર છે. જ્યારે ચરોતરમાં આંગળીના વેઢે સ્કૂલોની ગણતરી થતી હતી ત્યારે પણ ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલનું નામ પહેલું આવતું હતું. તેઓએ શાળામાં ગ્રાન્ટ તેમજ બ્લોગ પેંગવીન કરાવ્યું હોવાથી શાળા પરિવારે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે પ્રત્યુત્તરમાં તેઓએ જણાવ્યું હતુ કે, પ્રજાજનો સરકારને ટેક્ષ આપે છે અને બદલામાં સરકાર તેઓને સુવિધા આપે છે જેથી તેઓએ શાળાને જેકાંઈ આપ્યું છે તે સમાજમાં રહેલા લોકોના જ પૈસા થી આપ્યું છે. કોઈ પણ નેતા પોતાના ખિસ્સા માંથી કાંઈ આપતા નથી તેમ કહી તેઓએ કટાક્ષ કરતા ઉમેર્યું હતુ કે હું ધારાસભ્ય તરીકે સ્કૂલ માટે કાંઈ કરું અથવા બીજા પક્ષના કોઈ નેતા સ્કૂલ માટે કાંઈ કરી જાય તે તેઓની ફરજ જ છે અને નેતાઓ કામ કરવા માટે જ હોય છે. તેઓના સદર કટાક્ષ ઉપર ઉપસ્થિત મેદનીમાં હાસ્યનું મિજૂ ફરી વળ્યું હતું.

શાળાની વ્યવસ્થાપક કમિટિના ભાનુભાઈ પરીખ,જગમોહનભાઈ પટેલ,ભીખુભાઈ દવે, અરવીંદભાઈ સુત્તરીયા,હેમાંશુંભાઈ ચોકસી સહીત વિરેન્દ્રભાઈ મહેતા તેમજ શાળાના શિક્ષકો અને સ્ટાફ ની કામગીરીની પ્રશંશા કરતા મહાનુભાવોએ જણાવ્યું હતુ કે સદર શૈક્ષણિક સંસ્થાને આગળ લાવવા માટે તેઓની મહેનત નોંધણીય છે. વિશેષમાં ઉદ્યોગ પતિ નવીનભાઈ ચીમનલાલ સુત્તરીયા દ્વારા પ્રપોઝ્ડ જ્યુબિલિ ઈગ્લિસ મિડીયમ સ્કૂલ અંગે લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો. પ્રવર્તમાન સમયને અનુરૂપ ઈગ્લિસ મિડીયમ સ્કૂલ સંસ્થા દ્વારા ટુંક સમયમાં કાર્યરત બનશે તેમ નવીનભાઈ સુત્તરીયાએ જણાવ્યું હતું. સમારોહને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો સહીત સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

સંક્ષિપ્ત સમાચાર


છપ્પનભોગ મહોત્સવ

ઉમરેઠમાં તાજેતરમાં આકાર પામેલ ગીરીરાજધામની તળેટીમાં છપ્પનભઓગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે.આ પ્રસંગે તા.૧૫/૨/૨૦૧૪ના રોજ શોભાયાત્રા અને છપ્પનભોગ દર્શનનો લાભ લેવા ભક્તોને અનુરોધ છે.

બેટી બચાવો અભિયાન

તાજેતરમાં ઉમરેઠ બ્રહ્મકુમારીઝ ધ્વારા બેટી બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ અને પૂ.ગણેશદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ કારોબારીની બેઠક

ઉમરેઠ લોકસભા બેઠકના ઓડ ગામે તાજેતરમાં ભાજપની કારોબારી બેઠક મળી હતી જેમાં આગામી ચુંટણીમાં મતદારોને આકર્ષવા માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. સદર બેઠકમાં રાજ્યસભ સાંસદ લાલસિંહ વડોદિયા સહીત આણંદ જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

નવા રસ્તા નહી, તો થિંગડા પણ ચાલશે..!

ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાય સમયથી ખરાબ થયેલ રસ્તાને છેવટે રીપેર કરવાનું શરુ કરવામાં આવ્યું છે. હાલામાં નગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ પાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોની યાદી સાથે એક પત્રિકા બહાર પડી હતી.

પશુઓની પણ ચોરી…

ઉમરેઠ પંથકમાં હાલમાં પશ ચોરી જતી ટોળકી સક્રીય બની છે. સીમ વિસ્તારમાં ઘર બહાર બાંધી રાખેલા મુગા પશુઓને ઉઠાવી જતા તસ્કરોને લઈ લોકો પરેશાન છે. તાજેતરમાં એક શંકાસ્પદ કારનો ઉમરેઠ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન પીછો કર્યો હતો જે કાર જાગનાથ ભાગોળે દરવાજામાં અથડાતા કાર ચાલક ભાગી ગયા હતા અને પોલીસે કારની તપાસ કરતા અંદરથી બકરા મળી આવ્યા હતા.

તકલીફ તો રહેવાની જ..!

નાના-મોટા, પૈસાદાર કે ગરીબ સૌ કોઈને કોઈ ને કોઈ તકલીફ તો હોય છે. દરેકને વધતા ઓછા પ્રમાણમાં કોઈને કોઈ મુશ્કેલીતો રહેતી જ હોય છે. “તકલીફ તો રહેવાની જ..” આ નાનું વાક્ય તમામ લોકોને બંધ બેસતું હોય તેમ લાગે છે. હાલમાં ઉમરેઠમાં આ વાક્ય ભારે પ્રચલિત થયું છે અને સૌ કોઈના મોઢેં આવી જાય છે…

અવસાન નોંધ

– રાજેશભાઈ નવનીતલાલ ચોકસી(ચોકસીની પોળ)નું અવસાન થયેલ છે.
– બિપીનભાઈ મોહનલાલ શાહ(વકીલ)(દેના બેન્ક પાસે,પંચવટી)નું અવસાન થયેલ છે.
– રમેશભાઈ વકીલ (ત્રણ પોળ)નું અવસાન થયેલ છે.

વાંચક મિત્રો…


આપણા ઉમરેઠમાં ભૂતકાળમાં કેટલાય વ્યક્તિઓ એવા થઈ ગયા જેમને ઉમરેઠનું નામ સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં ગુંજતુ કર્યું. પોતાના કાર્યક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ટોચના સ્થાને પહોંચી પોતાનું ,પોતાની જ્ઞાતિ-પરિવાર સહીત ઉમરેઠનું ગૌરવ વધાર્યું, સરકારી ઉચ્ચ હોદ્દા થી માંડી નાની મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજવાનો શ્રેય કેટલાય ઉમરેઠના નાગરિકોને પ્રાપ્ત થયો છે. આવા લોકોની અનન્ય સિધ્ધિને બિરદાવવા માટે “આપણું ઉમરેઠ” બ્લોગ દ્વારા ઉમરેઠના પ્રતિભાશાળી લોકોની એક યાદી બ્લોગમાં મુકવાનું આવનારા થોડા દિવસોમાં આયોજન છે. બ્લોગના એક વાંચક એન.બી.ભટ્ટ દ્વારા સદર સુચન સહીત ઉમરેઠના પ્રતિભાશાળી લોકોની એક યાદી પ્રાપ્ત થયેલ છે, જે બદલ તેઓનો ખુબ ખુબ આભાર. આ સાથે અન્ય વાંચકોને જણાવવાનું કે તમારા ધ્યાનમાં પણ ઉમરેઠની કોઈ પણ તેવી વ્યક્તિ હોય કે જેને ઉમરેઠ માટે કાંઈ કર્યું છે અને ઉમરેઠ માટે ગૌરવ લેવા જેવું કાંઈ છે તો તમે નીચેનું ફોર્મ ભરી અમને મોકલી શકો છો.

ઉમરેઠની નવા-જૂની


 • સૌ પહેલા તો ચોમાસાને અલવીદા,આ વર્ષે ચોમાસું જોરદાર રહ્યું, અરે જોરદાર શું ભયાનક રહ્યું..! હવે ગરમીનો વારો, ગરમીએ પોતાનું સામ્રાજ્ય બનાવી દીધુ છે.
 • ઉમરેઠમાં રાજકીય ગરમી પણ વધી ગઈ છે, થોડા જ દિવસો પહેલા ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખની ચુંટણી યોજાઈ હતી જેમાં ભાજપના જ સભ્ય દ્વારા ભાજપ સામે બળવો કરી પ્રમુખની ખુરસી અપક્ષોના સહારે મેળવી હતી, હવે ફરી તેઓનું હ્રદય પરિવર્તન થયું છે, ખુરશીની મોહ માયા છોડી તેઓ પૂનઃ બિનશરતી ભાજપમાં જોડાવા તેમજ પ્રમુખની ખુરશી પરત કરવા તૈયાર થઈ ગય છે. સાથે સાથે ચર્ચાઈ રહ્યું છે આ બળવાખોરોને ગેરલાયક ઠરાવવા પક્ષ દ્વારા કરવામાં આવેલ તૈયારીઓના સ્વરૂપે બળવાખોરો પક્ષમાં લીલાતોરણે પરફ ફર્યા છે.
 • હવે ગણેશ મહોત્સવ આવશે,ઉમરેઠમાં ઠેર-ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને ઉમરેઠના કાછીયાવાડ (દાદાના દરબાર)માં આ વર્ષે ધામધૂમ થી ગણેશ મહોત્સવ ઉજવાશે. કાછીયાવાડમાં આ ૨૫મો ગણેશ મહોત્સવ છે. કહેવાય છે, ઉમરેઠમાં સૌ પ્રથમ ગણેશ મહોત્સવ ઉજવવાની શરૂઆત કાછીયાવાડથી થઈ હતી, કાછીયાવાડમાં કેટલાય વર્ષો સુધી નગરના ઈન્દ્રવદનભાઈ કાછીયાએ પોતાના હસ્તે ગણેશજીની પ્રતિમાં બનાવતા હતા.
 • શ્રાવણ માસમાં ઉમરેઠમાં શ્રધ્ધાભેર લોકો મહાદેવજીના દર્શનાર્થે જઈ રહ્યા છે, ખાસ કરીને નગરના પંચવટી વિસ્તારમાં આવેલ મહાદેવ તેમજ સ્ટેશન રોડ ઉપર આવેલ ચંન્દ્રમુળેશ્વર મહાદેવ અને જાગનાથ મહાદેવમાં ભક્તોની ભારે ભીડ રહે છે. સાથે નગરના વારાહી ચકલા વિસ્તારમાં આવેલ મહાદેવ તેમજ જાગનાથ મહાદેવમાં શ્રાવણમાસને અનુલક્ષી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
 • શ્રાવણમાસ એટલે ફક્ત ભક્તિનો જ માસ નહી ઉમરેઠમાં શ્રાવણમાસ દરમ્યાન સાડીના સેલની ધૂમ હોય છે. ઉમરેઠના સાડી બજારમાં ક્યારે પણ મંદી દેખાતી નથી. હાલમાં ઉમરેઠમાં સાડીના ઢગલો શો-રૂમ શરૂ થયા છે. કહેવાય છે, આખા વર્ષની જરૂરી સાડીઓ મહીલાઓ સેલમાં ખરીદ કરતી હોય છે.
 • ઉમરેઠના વોર્ડ નં.૯ની પેટા ચુંટણીમાં વોર્ડનં.૨ના પ્રકાશભાઈ પટેલ ઝંપલાવશે, ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ભાજપે તેઓને મેન્ડેટ આપવાનું લગભગ નક્કી જ કરી દીધુ છે, હવે વિપક્ષ દ્વારા કયો ઉમેદવાર મુકવામાં આવશે તે જોવાનું રહ્યું, આમ તો વોર્ડ નં.૯માં વર્ષોથી ભાજપનો દબદબો હોવાને કારણે આ સીટ બિનહરીફ આવે તેમાં પણ બે મત નથી.

વાતોના વડા અને સંક્ષિપ્ત સમાચાર


 • ઉમરેઠમાં પાણીની સમસ્યા બરકરાર છે, છતા પણ અહી ચોક્કસ કહેવાનું નહી ચુકુ કે અન્ય વિસ્તાર કરતા આપણા ઉમરેઠમાં સ્થિતિ સારી છે. બે દિવસે તો , બે દિવસે પણ પાણી આવે છે તો ખરું , સૌરાષ્ટ અને કચ્છના કેટલાક વિસ્તારમાં પરિસ્થિતી આથી પણ વધારે ખરાબ છે.
 • ભીની માટીની સુંગંદ અને તે પણ ઉનાળામાં, હા..ભાઈ..હા..તમે સાચું વાચ્યું,વરસાદે સરપ્રાઈઝ આપી, બે દિવસથી ગરમીથી લોકોને રાહત મળી છે, પણ વરસાદની સરપ્રાઈઝથી જગતના તાત ચિંતામાં છે. આ વરસાદથી પાણીની સમસ્યા હળવી નહી થાય પણ ર્ડોક્ટરોના જણાવ્યા મુજબ લોકોના સ્વાસ્થય ઉપર ખરાબ અસર થશે, વાઈરલ ઈન્ફેક્શન..બીજૂ શું..જરાં સંભાળજો..
 • ઉમરેઠમાં ડે-નાઈટ ક્રિકેટનો ફ્લોપ શો – પ્રેક્ષકો કરતા ખેલાડીઓ વધારે હોય છે, ઓલ ક્રેડીટ ટુ આઈ.પી.એલ , અને વરસાદે પડતા ઉપર પાટું માર્યું તે જૂદુ..! ખેર બેટર લક નેક્સટ ટાઈમ..!
ઉમરેઠમાં ચૈત્રી નવરાત્રીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નગરના મેલડીમાતાજીના મંદિર, સિકોતેર માતાજીના મંદિર તેમજ જાગનાથ ભાગોળમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમેત્તે અનેક ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉમરેઠના રાવડીયા ચકલા અને જાગનાથ ભાગોળ વિસ્તાર માંથી પદયાત્રા કરી સંઘ પાવગઢ રવાના થયો હતો. (ફોટો - સંદીપ પંચાલ)

ઉમરેઠમાં ચૈત્રી નવરાત્રીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મેલડીમાતાજીના મંદિર, સિકોતેર માતાજીના મંદિર તેમજ જાગનાથ ભાગોળમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમેત્તે અનેક ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉમરેઠના રાવડીયા ચકલા અને જાગનાથ ભાગોળ વિસ્તાર માંથી પદયાત્રા કરી સંઘ પાવગઢ રવાના થયો હતો.  (ફોટો – સંદીપ પંચાલ)

 • હજૂ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખને લઈ અસમંજસ બરકરાર છે. બધાને પ્રમુખ થવું છે પણ બધાની લડાઈમાં પ્રવર્તમાન પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ જાતે જ પ્રમુખ પદ પોતાની સાથે રાખે તો નવાઈ નહી.

નગર પાલિકાના પ્રમુખને લઈને ભલે અસમંજસ હોય પણ, આણંદ વેટબાર એશોશિયેશનના પ્રમુખ પદે આ વર્ષે ઉમરેઠના કેતનભાઈ ત્રિવેદી(કે.ટી)ની વરણી કરવામાં આવી છે. ઉમરેઠના લોકો માટે ગૌરવની વાત જ કહેવાય , ખરું ને…? કેતનભાઈ ત્રિવેદી હાલમાં ઉમરેઠના મોટાભાગના વહેપારીનોના ટેક્ષ સલાહકાર તરીકે કાર્યરત છે. કેતનભાઈ ત્રિવેદીને “આપણું ઉમરેઠ” બ્લોગ તરફથી અભિનંદન સાથે ભવિષ્યમાં વધુને વધુ પ્રગતિ કરી તેવી શુભેચ્છા….

 • અરે હા… ઉમરેઠના પ્રખ્યાત કોહીનુર બેન્ડના સ્ટેજ પરફોમન્સ દરમ્યાન કોઈએ રેકોર્ડ કરેલ ગીત “મેઘા..રે..મેઘા..રે..” હાથમાં લાગ્યું છે. જો તમને ગમતું હોય તો શાંભળો… નીચેની લીન્ક આપેલ છે.

 • અને છેલ્લે..

આવતી કાલે રવીવાર, લાઈટો જશે કે નહી..? કોઈને ખ્યાલ છે..? ચાલો થઈ જાય દશ..દશ..ની…?

વાતોના વડા…


 • જોરદાર ગરમી શરૂ થઈ ગઈ છે, ઉપરથી હવે પહેલાની જેમ દર રવીવારે વીજકાપની પ્રથા આપણા ઉમરેઠમાં ચાલું થઈ ગઈ છે. આ રવીવારે પણ સવાર થી બપોર સુધી વીજકાપ રહ્યો હતો. હવે દર રવીવારે ઉમરેઠમાં લાઈટ બંધ થશે જ, પણ હજૂ આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. હવે રવીવારે ઉમરેઠમાં પગ મુકતા ૧૦૦વાર વિચારજો…!
 • ઉમરેઠમાં ખેલયુવા મહોત્સવ અંતર્ગત ડે-નાઈટ ક્રિકેટ મેચનું આયોજન થયું છે. હાલ માંજ એક ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ખતમ થઈ જેથી લોકોને આ ડે-નાઈટ મેચમાં ઓછો રસ હોય તેમ લાગે છે ઉપરથી આઈ.પી.એલની મેચને કારણે પણ લોકો ગ્રાઊન્ડમાં ઓછા આવે છે.
 • ઉમરેઠના કસ્બા વિસ્તારમાં ગટર ઉભરાતા ગટરનું ગંદુ પાણી પીવાના પાણીની લાઈનમાં મીક્ષ થઈ જતા આ વિસ્તારના પાંચ છ વ્યક્તિઓને ઝાડા ઉલ્ટી થઈ ગયા હતા. વધુ જાણકારી માટે તમારું ફેશબુક એકાઊન્ટ ઓપન કરી અહિયા ક્લિક કરો.
 • ઉમરેઠમાં પાણીના સ્તર નીચા ગયા છે જેથી હવે પાણી પુરવઠો ઓતરે દિવસે જ બે ટાઈમ મળશે. હવે પાણીની બચત કરવા સિવાય છુટકો નથી , કુદરત આગળ સૌ કોઈ નિસહાય છે. ઉમરેઠ નગરપાલિકા દ્વારા આ અંગે નગરના કેટલાક વિસ્તારમાં જાહેરાત ચિપકાવી દીધી છે, આ અંગે વધુ જાણવા તમારું ફેશબુક એકાઊન્ટ ઓપન કરી અહિયા ક્લીક કરો.
 • ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબા)નો પાટોત્સવ તાજેતરમાં ઉજવાયો હતો. આ પ્રસંગે બિપીનભાઈ મહીજીભાઈ પટેલ તેમજ જગદીશભાઈ મહીજીભાઈ પટેલ પરિવારના નિવાસ્થાને થી પોથીયાત્રા નિકળી હતી, ત્યાર બાદ લગભગ પાંચ થી છ દિવસ ચાલેલા આ કાર્યક્ર્મમાં શોભાયાત્રા અને અન્ન્કુટ દર્શનનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

અલક-મલકની વાતો…


 • યૈ..હોલી કબ હૈ….? ગરમી શરૂ થઈ ગઈ બોસ, હવે તળબૂચ અને શેરઢીનો રસ બજારમાં દેખાવા લાગ્યા છે. ઉમરેઠગરા માટે તો શેરઢીનો રસ એટલે બાદશાહ શેરઢીનો રસ જ, મોં માં પાણી આવ્યું હોય તો માફ કરજો નીતો સાંજે બસ સ્ટેશન બાજૂ જઈ એક ગ્લાસ ઢીંચીયાવજો, હજૂ આઈસ-ડીસ વાળાને ઠંડી ઉડી નથી લાગતી, પંચવટીમાં બરફની લારીની કાગદોળે રાહ જોવાય છે…!
 • થોડા દિવસ પહેલા ઉમરેઠના જયંત એમ.દલાલ તરફથી કેટલાક ભેટ પુસ્તકો મળ્યા, તે બદલ તેમનો આભાર, મૂળ ઉમરેઠના જયંતિ એમ.દલાલ વીશે પહેલા શાંભળ્યું હતુ, પરંતુ તેઓ સાહિત્ય ક્ષેત્રે કદાવર વ્યક્તિ છે, તે જાણી ખૂબ આનંદ થયો. આમ તો હું નવલકથા વાંચતો નથી પરંતુ “શૂન્યાવકાશમાં પડઘા” નવલકથામાં જયંતિ એમ.દલાલે ઉમરેઠને ઉજાગર કર્યું છે તે જાણી તેઓ ધ્વારા મળેલ ભેટ પુસ્તક “શૂન્ય અવકાશમાં પડઘા” વાંચવાનું શરૂ કર્યું છે. બે પ્રકરણ વાંચ્યા રસપ્રદ છે, વિજ્ઞાન, સાહિત્ય, અંગત, હિન્દુ મુસ્લીમ એકતા સહીત મિત્રતાના મુદ્દાનું મિશ્રણ કરી આ નવલકથા લખવામાં આવી હોય તેમ લાગે છે. ફરી એક વખત જયંતિ એમ દલાલનો આભાર સહીત તેઓના અમૃત પ્રસંગે વિમોચીત થનાર પુસ્તક “જિંદગીનો દસ્તાવેજ” માટે અભિનંદન.
 • પરેશભાઈ શાહ, તમે કેટલાય પરેશભાઈ શાહને જાણતા હશો પણ હું આપણા ઉમરેઠના પરેશભાઈ શાહની વાત કરૂં છું, હા અર્બન બેંક વાળા જ. થોડા દિવસ પહેલા તેઓએ આર.એસ.એસ પ્રેરિત “સાધના” પુસ્તકના થોડા અંકો આપ્યા, જેમાં સ્વામિ વિવેકાનંદ અને સરદાર પટેલનો અંગ સામેલ હતો બંન્ને અંક ખરેખર સરસ છે. સાથે સાથે આર.એસ.એસના વિચારધારી પરેશભાઈ શાહ હંમેશા સ્વદેશી ચીજ અપનાવવાનો આગ્રહ રાખે છે. તેઓ જણાવે છે, સ્વદેશી વસ્તુ અપનાવીએ તો દેશની કંપની ને ફાયદો થાય અને આપણા પૈસા દેશમાં જ રહે..! પણ આજના યુગમાં આ કેવી રીતે શક્ય છે..? અને જો આમ કરીયે તો “વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવનાનું શું..? ખેર પરેશભાઈ તો માત્ર દેશી વસ્તુઓનો જ વાપરવાનો આગ્રહ રાખે છે, શું આપણામાં તે હિંમત છે..!?
 • ઉમરેઠમાં ૧૯૫૮-૫૯ની આસપાસ કોઈએ “ચિરાગ”નામનું મેગેઝિન બહાર પાડ્યું હતુ, આ અંગે જે પણ કોઈ માહિતી કોઈ જાણતું હોય તો જણાવવા વિનંતી.
 • હજૂ ઉમરેઠ બસ સ્ટેશનનો પ્રશ્ન ત્યાંનો ત્યાંજ છે, બસ અસ્ત વ્યસ્ત રીતે ગમે ત્યાં જ ઉભી રહે છે. ઉમરેઠના નાગરિકો સહીત ધારાસભ્યએ પણ આ અંગે લેખિત રજૂઆતો કરી પરંતુ એસ.ટી તંત્ર હૈ કી માનતા હી નહી…! હવે દબંગ “એસ.ટી.તંત્ર”ને કોણ સમજાવે..!

સંક્ષિપ્ત સમાચાર


ઉમરેઠ સિનિયર સીટીઝન ફોરમ ખાતે આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો

ઉમરેઠ સિનિયર સીટીઝન ફોરમમાં આરોગ્ય લક્ષી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વૃધ્ધા અવસ્થામાં તંદુરસ્ત રહેવા માટે યોગના ફાયદા અંગે પ્રવિણભાઈ સોનીએ સમજ આપી હતી. આ સમયે તેઓ ઓમ શબ્દનો ઉચ્ચાર અને તેની અસર સહીત બી.પીથી રાહત મેળવવા કસરત બતાવી હતી. આ ઉપરાંત યોગથી થતા ફાયદા અંગેની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને નિયમિત યોગ કરવા માટે સિનિયર સીટીઝનના સભ્યોએ ઉત્કૃષ્ઠતા બતાવી હતી. સદર કાર્યક્રમના અંતે ધાર્મિક ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિજેયતા સભ્યોને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ સુરેશભાઈ શાહ તેમજ મંત્રી ગોપાલભાઈ શાહએ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ શાંતિભાઈ પંડ્યાએ કરી હતી.

ઉમરેઠ બ્ર.કુમારિ ઈશ્વરિય વિદ્યાલયમાં યુવા સ્નેહ મિલન યોજાયું

ઉમરેઠ બ્ર.કુ.ઈશ્વરિય વિશ્વ વિદ્યાલય ખાતે તાજેતરમાં યુવા પ્રભાગના સમાજ નવનિર્માણના કાર્યને આપણા હાથ સુધી પહોંચાડવા માટે યુવા સ્નેહ મિલન કાર્યક્ર્મ “આઓ હમ ઈતિહાસ બનએં” યોજાયો હતો. આ કાર્યક્રમમાં વક્તા પદે બ્ર.કુ. પ્રાધ્યાપક ઈ.વી.સ્વામિનાથન્ – મુંબઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાની આગવી શૈલીમાં યુવાનોનું પ્રવર્તમાન સમયમાં દેશ અને સમાજ પ્રત્યે શું કર્તવ્ય છે તેની છણાવટ સાથે રજૂઆત કરી હતી. સદર સ્નેહ મિલન સમારોહમાં ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બ્ર.કુ.નીતાબેને જહેમત ઉઠાવી હતી.

વાતોના વડા..


 • આજે ઉમરેઠનું વાતાવરણ ખુશનુમા છે, વરસાદ ડોકાચિયા કરતો હોય તેમ લાગે છે, આજે છાપામાં પણ ક્યાંક વાંચ્યું હતુ કે ગુજરાતમાં છુટા છવાયા વરસાદની સંભાવણા છે, સાલું કેવું પડે, હવે આપણું હવામાન ખાતુ આગાહી (સાચી) કરતું થઈ ગયું ખરું…!
 • આખરે ઉમરેઠમાં ડે-નાઈટ મેચ રમાઈ ખરી, એસ.એન.ડી.ટી મેદાનમાં ડે-નાઈટ મેચ જોવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ ઉમટી પડે છે. ઉમરેઠમાં છેલ્લા કેટલાક દિવસથી ક્રિકેટનો માહોલ મસ્ત જામ્યો છે.
 • એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડમાં ક્રિકેટ અને નીચલા ગ્રાઊન્ડમાં ફન-ફેર, ઉમરેઠમાં નાના-મોટા સૌ કોઈને જલસા પડી ગયા છે. મોટા થોડી ક્રિકેટની મજા લઈ તેમની જોડે આવેલા નાના ટાંબરીયાને ફન-ફેરમાં લઈ જઈ ફન કરે છે, ફનફેરમાં નાના ટાંબરીયા સાથે ઉમરેઠના શકુનીઓને પણ જલસા પડી ગયા છે.
 • ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલમાં ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને સન્માન સમારોહ આવતી કાલે તા.૧૬.૨.૨૦૧૩ના રોજ યોજાશે. આ પ્રસંગે ખાડીયાના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ ઉપસ્થિત રહેશે.
 • ઉમરેઠ બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા યુવા સ્નેહ મિલન સમારોહ “આઓ હમ ઈતિહાસ બનએ”નું આયોજન તા.૧૮.૨.૨૦૧૩ને સોમવારના રોજ સાંજે.૭ થી ૮ કલાકે કરવામાં આવ્યું છે. આ સમયે મુખ્ય વક્તા પદે બ્ર.કુ. પ્રાધ્યાપક ઈ.વી .સ્વામીનાથન્- પ્રખર પ્રેરક યુવા વક્તા- મુંબઈ ઉપસ્થિત રહેશે. સ્થળ – બ્ર.કુ.ઈશ્વરિય વિદ્યાલય , એસ.એન.ડી.ટી મેદાન પાસે – ઉમરેઠ.
 • ઉમરેઠના સિનિયર સિટીઝન હોલ ખાતે આંકડાની માયાજાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આંકડાની માયાજાળ અંતર્ગત શિક્ષણ વિભાગના નિવૃત ક્લાસવન ઓફિસર એમ.સી.શાહએ આંકડાનું મનુષ્ય સાથેનું સાતત્ય અને તેનું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમના અંતે સિનિયર સિટીઝન સભ્યોને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન મંત્રીશ્રી ગોપાલભાઈએ કર્યું હતું અને શાંતિભાઈ પંડ્યાએ આભારવિધિ કરી હતી. પ્રમુખ સુરેશભાઈ શાહએ પણ ઉપસ્થિત મહાનુભાવો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
 • ઉમરેઠ લાયન્સ ક્લબના ૨૦૧૧-૧૨ના પ્રમુખ રમેશભાઈ કાછીયાને તાજેતરમાં નડિયાદ ખાતે મળેલ રીજનલ કોન્ફરન્સમાં લા.ડી.ગવર્નર શશીકાન્તભાઈ પટેલના હસ્તે ઈન્ટરનેશનલ એક્સલન્સ ક્લબ પ્રેસીડન્ટ અને મેમ્બરશીપ ગ્રોથનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડી.ગવર્નરશ્રીએ રમેશભાઈ કાછીયાની સેવાકીય પ્રવૃત્તિઓ સહીત ઉમરેઠ લાયન્સ કલબમાં તેઓની સક્રીયતાને બિરદાવી હતી.

વાતોના વડા…


 • સંતરામ મંદિર ઉમરેઠમાં રવીવારે તા.૨૭.૧.૨૦૧૩ના રોજ સાંકર-બોર વર્ષાની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, પોષી પૂનમના દિવસે સંતરામ મંદિરમાં સાંકર બોર ઉછાળવામાં આવે તો બાળક વહેલા બોલતું થાય છે તેવી ઉમરેઠ પંથકમાં માન્યતા છે. સંતરામ મંદિર ઉમરેઠ સહીત આ પ્રથા સંતરામ મંદિર નડિયાદમાં પણ વર્ષોથી ચાલતી આવે છે.
 • “હું કે મારા પ્રતિનિધિ કાયમી ધોરણે ઉમરેઠ ખાતે મળીશી” ચુંટણી પહેલા બમણા ફુંકનાર ઉમરેઠના ધારાસભ્ય હવે શોધ્યા પણ જળતા નથી, ઉમરેઠના બસ સ્ટેશનમાં બસ ઉભી રાખવાની પધ્ધતિ બદલવાનું આશ્વાસન આપ્યા બાદ કોઈ પરિણાત્મક પગલા હજૂ સુધી ભરાયા નથી.(…ભરાયા હોય તો મને ખબર નથી…!) હવે તો ઉમરેઠ ગાંધિનગર વાયા ચિખોદરા બસની જરૂર ખરી..! બાકી શટલિયા જિન્દાબાદ…!
 • ઉમરેઠ બસ સ્ટેશનના મુદ્દે ધારાસભ્ય સક્રીય થયા કે ન થયા ખ્યાલ નથી પણ મૂળ ઉમરેઠના હાલ અમદાવાદ ખાતે રહેતા રાજનભાઈ પટેલે આ મુદ્દાની ગંભીરતા જાણી ડાકોર બસ મથકે ફોન કર્યો અને ડેપો મેનેજરને જરૂરી પગલા ભરવા જણાવ્યું છે. રાજનભાઈ પટેલે આ અંગે ડાકોર ડેપોમાં લેખિત રજૂઆત કરવાની પણ ખાતરી આપી છે.
 • ..ખેર જવા..દો, ઠંડીની વાત કરીયે તો દીલ ખોલી ઉમરેઠ ઉપર ઠંડીને વ્હાલ આવી ગયો છે. રેઈનકોટના પૈસા બગડ્યા પછી સ્વેટરમાં આ વર્ષે ખર્ચો ન કર્યો..! પણ આવતા વર્ષે નવું સ્વેટર પાક્કુ…! છેલ્લે છેલ્લે જૂના સ્વેટરના પૈસા વસુલ થઈ રહ્યા છે..! આ વર્ષે આટલી બધી ઠંડી પડી જે હજૂ પણ ચાલુ છે છતા તાપણી કરવાનો મોકો ન મળ્યો..! મને યાદ છે. સ્કૂલમાં ભણતા હતા અને સર્વોદય સોસાયટીમાં બી.એસ.પટેલ સાહેબને ત્યાં સવારે ૭ વાગ્યાના ટ્યુશન માટે બધા મિત્રો ૬ વાગે ભેગા થતા હતા..! …અરે ભણવા ની ઉતાવળ હતી તેમ ન સમજતા તાપણી કરવા..! અમારા તે વિચારો ઉપર આજે હસવું આવે છે. સાલું તાપણી કરવા વહેલું ઉઠવાનું…? સાલું બાળપણ એ’તો બાળપણ જ..!
 • આ વર્ષે કોણ જાણે કેમ કોઈ ઉમરેઠમાં ડે-નાઈટ મેચ રમાડવા જાગ્યું નહી…? નફાનો ધંધો છે અને ઉમરેઠીયા પાછા પળે તે સમજાતું નથી..! લાગે છે પરીક્ષા અને લગ્નગાળાને લીધે આ વર્ષે ડે-નાઈટ મેચ નથી યોજાઈ પણ એક વાત ચોક્કસ, ડે-નાઈટ મેચ તો ઉમરેઠની જ..!
 • તમે બધા જાણતા હશો, તા.૧૦.૨.૨૦૧૩ને રવીવારના રોજ સુવર્ણ જયંતિ ઉજવવાનું નક્કી કરેલ છે, ઉમરેઠમાં ખડાયતા સમાજ દ્વારા વિવિધ સંસ્થાઓ કાર્યરત છે, જેમાં યથા શક્તિ આર્થિક સહયોગ આપવા ખડાયતા બંધું આગળ આવે તેવી નમ્ર અપીલ છે. હોદ્દેદારોના નામ તેમના સંપર્ક સૂત્ર સાથે અગાઊ ની પોસ્ટમાં થી મળી રહેશે.
 • જો તમે આણંદ જિલ્લામાં કે મહેસાના જિલ્લામાં રહેતા હોવ તો તમારૂં આધાર કાર્ડ કઢાવી લેજો. ટુંક સમયમાં રાંધણ ગેસ સહીત અન્ય સરકારી યોજનામાં મળવાપાત્ર સબસીડી આધાર કાર્ડ દ્વારા તમારા બેન્ક એકાઊન્ટમાં જમા કરવાની યોજના અમલમાં મુકવામાં આવશે. અત્યાર સુધીમાં બે વાર આ યોજનાની તારીખ લંબાઈ છે. પહેલા આ યોજની તા.૧ જાન્યુઆરીથી અમલમા આવવાની હતી જે ૧ ફેબ્રુઆરી સુધી લંબાઈ હતી અને હાલમાં ૧૫મી ફેબ્રુઆરીથી આ યોજના અમલમાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

હરતા – ફરતા વાતોના વડા…!


 • આવતી કાલે શનીવારે ઉમરેઠના એસ.એન.ડી.ટી મેદાન ખાતેથી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮.૩૦ કલાકે રેલી પ્રસ્થાન કરી નગરના વિવિધ વિસ્તારમાં ફરશે – ઉમરેઠમાં પહેલી વખત સ્વામિ વિવેકાનંદને લઈ કોઈ કાર્યક્રમ થઈ રહ્યો છે, અપવાદ સ્વરૂપે સ્વામિ વિવેકાનંદ યાત્રા લઈ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉમરેઠમાં થોડા મહીના પહેલા આવ્યા હતા.
 • બીજુ જાન્યુઆરી મહીનાને છાજે તેવી ઠંડી અત્યારે ઉમરેઠમાં પડી રહી છે, ઠંડીમાં થીજાવા સાથે ઉમરેઠમાં સ્વાદ રસીકો ધ્વારા ખિચદી-ઉધિયા પાર્ટીની ધૂમ છે.
 • ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો બાકી છે, અરે ગણતરીના કલાકો જ કહીયે તો ખોટું નહી હોય, ઉત્તરાયણનું વાતાવરણ જામી રહ્યું છે, બજારમાં ઠેર ઠેર પતંગની ખરીદી કરવા લોકો આવી રહ્યા છે.
 • આ વર્ષે પતંગનો ખર્ચો દર વર્ષ કરતા ઓછો છે મોંધવારીના સમયમાં વર્ષના પહેલા તહેવાર માંજ ઓછો ખર્ચો થાય એટલે સ્વભાવિક રીતે આખું વર્ષ સારું જશે તેવી ગાંઠ મારી દીધી છે, પછી છુટેતો મારા કરમ…
 • ગયા વર્ષે પવન ઓછો હતો અને પતંગ દોરો આબાદ ઢગલો બચ્યા હતા સાથે આળશુના પીર હોવાને કારણે અગાસી કરતા પથારીમાં વધુ સમય ગયો એટલે આ વર્ષે ઓછા ખર્ચામાં ઉત્તરાયણ પતશે આશા છે આ વર્ષે પવન સારો હશે.
 • ઉમરેઠમાં બાઈક ચોરાવવાની પરંપરા યથાવત છે એટલે મહેરબાની કરી અગાશીમાં જાવ ત્યારે તમારૂં બાઈક સેફ છે કે નહી તે જરૂરથી ચકાસી લેજો…
 • ઉમરેઠમાં આર.ટી.ઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ ઉજવાયું હતું, પરંતુ કમનસિબે આજ સપ્તાહમાં ઉમરેઠમાં બે-ત્રણ અકસ્માત થયા અને ભાટ્ટપુરાના આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું હતુ, અન્ય એક અકસ્માતમાં એક પ્રોઢનું છકડો રીક્શા પલ્ટી ખાતા મોત નિપજ્યું હતું.
 • ઉમરેઠને નવા એમ.એલ.એ તરીકે જયંતભાઈ બોસ્કી મળ્યા , લાગે છે ધનારક છે એટલે ગામમાં દેખાતા નથી, ચુટણી પહેલા ગામમાં કાર્યાલય કરવાની વાતો હાલપુરતી તો પોકળ સાબિત થતી હોય તેમ લાગે છે ભવિષ્યની ખબર નહી. ચુંટણી પહેલા ઉમરેઠના ૧૧ સળગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની શરૂઆત ક્યારે થશે એ’તો રામ જાણે. ચુંટણીના ટાણે રવીના ટંડને કહ્યું હતુ કે જયંતભાઈ જીતશે તો વિજય સરઘસમાં હું આવીશ પણ જયંતભાઈ જ ન આવ્યા તો રવીના ક્યાંથી આવે…? ઉમરેઠીયાઓ શાંતિ રાખો…!
 •  “આપણું ઉમરેઠ” બ્લોગમાં નવા વર્ષમાં ક્વિઝનું થોડા સમયમાં આયોજન થશે, ભાગ લેવા તૈયાર થઈ જાવ, ઈનામમાં કાંઈ નહી મળે તેનું ખાસ ધ્યાન રાખજો.

ઉમરેઠની નવા-જૂની


 • સૌથી પહેલા ઉમરેઠના શહીદ સ્વ.સુરેશ ભટ્ટને શહિદ દિવસ નિમિત્તે હાર્દિક શ્રધ્ધાંજલિ, બધાની જેમ આપણે પણ શહિદોને વર્ષમાં એક વાર યાદ કરવા પડે ને..! આ પહેલા હું રોટરી ક્લબનું બચ્ચું કહેવાતી ઈન્ટરેક્ટ ક્લબમાં સભ્ય હતો ત્યારે અચુક અમે શહિદ દિવસે ભાટવાડામાં શહીદ સ્વ.સુરેશ ભટ્ટને શ્રધ્ધંજલિ આપતો કાર્યક્રમ રાખતા અત્યારે આ પ્રથા ચાલે છે કે નહી ખ્યાલ નથી..!
 • ઉમરેઠના લોકો માટે એક આનંદની વાત છે, એસ.એન.ડી.ટી મેદાનમાં બે-ત્રણ દિવસમાં આનંદ મેળો શરૂ થાય છે, તો તૈયાર રહેજો તમારા છૈયા છોકરાને લઈ ત્યાં પહોચી જજો..!
 • ઉમરેઠની કેટલીક સોસાયટીઓમાં સિમેન્ટના બ્લોગ બેસાડવાનું કામ શરૂ થઈ ગયું છે. નગરપાલિકા નગર ઉપર ખૂબ મહેરબાન થઈ ગઈ છે, કેટલીક સોસાયટીમાં તો આર.સી.સી રોડ હતા તે પણ હટાવી બ્લોગ નાખવાની કામગીરી કરવામાં આવી છે. લાગે છે નગરપાલિકાને લોટરી લાગી છે.
 • હજૂ પણ છેલ્લા બે-ત્રણ મહિનાથી ઉમરેઠ નગરપાલિકામાં કાયમી ચીફ-ઓફિસર દેખાતા નથી..! અત્યારે નગરપાલિકા નધણિયાતી છે તેમ કહીયે તો ખોટું નથી. લગભગ ૧૭ વર્ષ સુધી ઉમરેઠમાં એક ચીફ-ઓફિસર મહેન્દ્રભાઈ શાહ રહ્યા હતા તેમના ગયા બાદ બીજા ૧૭ ચીફ ઓફિસરો બદલાઈ ગયા હશે તેમ કહીયે તો નવાઈ નથી. શાલું કોઈ ચીફ ઓફિસર ઉમરેઠમાં ટકતા કેમ નથી..? કે પછી ટકવા દેવામાં આવતા નથી..?
 • ..અરે હા બીજી એસ સરસ વાત, ગરમીની શરૂઆત સાથે બસ સ્ટેશન વિસ્તારમાં બાદશાહનો રસ શરૂ થઈ ગયો છે, હજૂ આ સિઝનમાં એક જ વખત રસ પીધો છે.
 • ચોકસી મહાજન દ્વારા પાંચ દિવસથી દૂકાનો બંધ રાખવામાં આવી છે, ચોકસીના વહેપારીઓ બજેટમાં જ્વેલર્સના ધંધાને લગતા નિયમોથી ખફા છે.
 • હવે દર રવીવારે લાઈટની રામાયણ શરૂ થઈ ગઈ છે, પણ રાહતની વાત તે છે કે, આખા ઉમરેઠ ની જગ્યાએ અડધા ઉમરેઠ માંજ લાઈટો બંધ રહે છે, એટલે એક રવીવારે પંચવટીની પેલી બાજૂ અને બીજા રવીવારે પંચવટીની આ બાજૂ. આ રવીવારે આ બાજુ એટલે અમારી બાજૂ લાઈટો જવાની છે. (હોશિયાર લોકોને આબાજૂ અને પેલી બાજૂ એટલે શું સમજાઈ ગયું હશે.)
 • ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ઉમરેઠના વારાહિ માતાજીના મંદિર તેમજ મેલડીમાતાજીના મંદિરે વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧.૪.૨૦૧૨ના રોજ વારાહી માતાજીના મંદિરે ભવ્ય હવન યોજાશે.
 • બીજી એપ્રિલે ઉમરેઠમાં થયેલ કોમી રમખાણોને દશ વર્ષ પૂરા થશે. કેટલા ખરાબ હતા તે દિવસો..! લગભગ દશ દિવસ સુધી ઘરમાં કેદ થઈ ગયા હતા. કોમી રમખાણો વીશે વિશેષ અનાપ શનાપ વાંચવું હોય તો બીજી એપ્રિલે બ્લોગ ઉપર પધારવા આમંત્રણ છે.
 • ચાલો બહૂ થઈ પારકી પંચાત, તમે તમારું કામ કરો હું મારું કામ કરું… આમ પણ ગરમીમાં વધારે લખવાનો કંટાળો આવે છે.

ઉમરેઠની નવા જૂની


 • વડીલો પૂ.મોરારીબાપૂની કથામાં ધન્ય થઈ ગયા બાદ હવે, નગરના એસ.એન.ડી.ટી મેદાનમાં ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવાનો જલસા કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે આ વર્ષે ડે-નાઈટ ક્રિકેટનું આયોજન જય અંબે ટ્રસ્ટ, વાંટા દ્વારા કરવામાં આવ્યું છે.
 • ચોર લોકોએ આળશ ખંખેરી લાંબા ગાળા બાદ ઉમરેઠમાં ચોરી કરી, ઉત્તરાયણ કરવા વતનમાં ગયેલ શિક્ષક પરિવાર સહીત ત્રણ ઘરના તાળા વાસી-ઉત્તરાયણના દિવસે તુટ્યા હતા. હવે, ચોકસી બજારના વહેપારીઓએ સાબદા થવાની જરૂર છે.
 • આ પહેલા પવન વગરની ઉત્તરાયણ ઉમરેઠમાં ધામધૂમથી ઉજવાઈ. ધામ-ધૂમ એટલા માટે કે આ વર્ષે ઉત્તરાયણમાં પતંગો કરતા દારૂખાનું અને ડુક્કલમાં લોકોએ વધારે રસ રાખ્યો, આવતા વર્ષે પતંગોના વહેપારીઓ આચકા મારશે કારણ કે આ વર્ષે બધાની પતંગ અને દોરી માંડ ૨૫ ટકા વપરાઈ હશે, કોઈ નહી તો હું તો આવતા વર્ષે પતંગ દોરી નથી જ ખરીદવાનો નક્કી..!
 • પૂ.મોરારીબાપૂની કથા સુંદર રીતે પૂર્ણ કરવા બદલ શ્રી સંતરામ મંદિર, નડિયાદના મહંત દ્વારા શ્રી ગણેશ દાસજી મહારાજનું નડિયાદ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું, શ્રી સંતરામ મંદિર ઉમરેઠ દ્વારા અંબાજી ખાતે રવીવારના રોજ હવણનું આયોજન કરવામાં આવેલ છે. ઉમરેઠ ખાતે યોજાયેલ પૂ.મોરારિબાપુની કથા હવે યુ-ટ્યુબ ઉપર ઉપલબ્ધ બની છે.  યુ-ટ્યુબ ઉપર કથા જોવા માટે અહિયા ક્લિક કરો.

..છેલ્લે કેટલીક બ્લોગની વાતો

 • ” આપણું ઉમરેઠ” બ્લોગના કેટલાક એન.આર.આઈ અને લોકલ વાંચકો રૂબરૂ મળ્યા બ્લોગ અંગે તેઓના પ્રતિભાવ જાણી આનંદ થયો. ઉમરેઠના વિવિધ સમાચારો તમે ફેશબુકમાં પણ વાંચી શકો છો. ગઈ કાલે “આપણું ઉમરેઠ બ્લોગના કુલ રજિસ્ટર સભ્યોનો આંકડો ૧૦૦ પાર કરી ગયો.
 • હાલમાં ઉમરેઠને લગતી બીજી અન્ય વેબ સાઈટ ધ્યાનમાં આવી umreth.in ઉમરેઠને વિશ્વના ફલક ઉપર રજૂ કરવાના આવા પ્રયાસો ખરેખર આવકાર્ય છે. umreth.inને “આપણું ઉમરેઠ” બ્લોગની શુભેચ્છા.

ઉમરેઠની નવાજૂની


 • ઉમરેઠ તાલુકા  ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત ચુંટણીને કારણે ગરમાવો આવી ગયો છે. થામણા પંચાયત દર વખતની જેમ સમરસ થશે અને સરપંચ ચંન્દ્રકાન્તભાઈ મુખી જ નક્કી..!
 • પંચાયતની ચુંટણીની મતગણતરી તા.૩૧.૧૨.૨૦૧૧ના રોજ છે, પરંતું આજ દિવસે ઉમરેઠમાં મોરારીબાપુની કથા શરૂ થવાની હોવાને કારણે મત ગણતરી ઓડ ખાતે કરવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણે રજૂઆત કરી છે.
 • પૂ.મોરારી બાપુની કથાને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિરનું વહિવટી તંત્ર તેમજ સ્વયંમ સેવકો ખડે પગે કથાની તૈયારીમાં લાગી ગયા છે. અત્રે ખાસ ઉલેખનિય છે કે કથા દરમ્યાન દરોજ્જ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્ર્મોનું પણ સંતરામ મંદિર દ્વારા આયોજન છે.
 • ઉમરેઠમાં આ વર્ષે પણ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા.૧૬.૧.૨૦૧૨થી કરવામાં આવશે. આ વર્ષે ટુર્નામેન્ટનું આયોજન ઉમરેઠના શ્રી જય અંબે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
 • શિયાળાને ધ્યાનમાં રાખી સવારે વોકર્સનો ઘસારો નગરના પીસ-પાર્કમાં થઈ જાય છે. કેટલાક લોકો મોર્નિગ વોક માટે બેચરી માર્ગ તરફ પણ જતા હોય છે. પરંતું હાલમાં ઉમરેઠ બ્રહ્મકુમારી દ્વારા સંચાલિત પીસ પાર્ક લોકોમાં લોકપ્રિય બની ગયું છે.
 • ઉમરેઠ ઓડ માર્ગ ઉપર ઓવરબ્રીજ ખુલ્લો મુકાઈ ગયો પછી સોસાયટી વિસ્તારના લોકોને ખાસ રાહત થઈ છે. ભારે વાહનોનો ટ્રાફિક હવે બિલકુલ સોસાયટી વિસ્તારમાં થતો નથી. પણ ઓવર બ્રીજ ઉપર લાઈટ વ્યવસ્થા બિલકૂલ નથી પણ ચાલશે કારણ કે, સાત વર્ષે ઓવર બ્રીજ બન્યો છે તો લાઈટ વગર પણ ચલાવો જ પડે..!
 • ઉત્તરાયણને આડે હવે, ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નગરના બજારો રંગબેરંગી પતંગો થી સજ્જ થઈ ગયા છે. મહેરબાની કરી આ વર્ષે ચાયનિઝ દોરા ખરીદશો નહી.
 • ફુલગુલાબી ઠંડીને કારણે આળશ બધા ઉપર હાવી થઈ જ ગઈ હશે. કાશ દરોજ રવીવાર હોત તો.. કેટલું સારું…! તમારી તમે જાણો પણ મને તો ખરેખર આળશ આવે છે હું આટલું જ લખી વિરામ કરૂં છું , તમે નવરા હોય તો બ્લોગ વાંચતા જ રહેજો…આવજો.

ઉમરેઠની નવા-જૂની..


 • ઉમરેઠ બ્રહ્મકુમારીઝ દ્વારા નગરની તમામ સંસ્થાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગામમાં નિસ્વાર્થ ભાવે સેવા કરતી તમામ સંસ્થાના પ્રતિનિધિ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
 • બ્રહ્મસમાજ આણંદ જિલ્લાનો સ્નેહ મિલન સમારોહ તાજેતરમાં ઉમરેઠ ખાતે યોજાયો સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કમલભાઈ વ્યાસે કર્યું હતું.
 • છેલ્લા ત્રણ થી ચાર રવીવારથી લાઈટો બંધ થવાનું બંધ થઈ ગયું છે.એમ.જી.વી.સી.એલ ની જય હો…
 • લાગે છે એમ.જી.વી.સી.એલનો ચેપ બી.એસ.એન.એલ વાળાને લાગ્યો છે. હવે દર રવીવારે લાઈટો બંધ થવાનું “બંધ” થયું ત્યારે દર રવીવારે બી.એસ.એન.એલના મોબાઈલ ફોન બંધ થઈ જાય છે.
 • ઉમરેઠ નગર પાલિકાના સભ્ય દ્વારા થતા કથીત ભ્રષ્ટાચારને લઈ કોઈ નનામી અરજી તંત્રના વિવિધ વિભાગો અને પત્રકારો પાસે આવી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ સત્તાધારી પક્ષના સભ્ય દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે, આ અંગે સદર સભ્ય અને પાલિકા તંત્ર કહે છે કે આ માત્ર કોઈ વ્યક્તિ દ્વારા તેમને અને તેમના પક્ષને બદનામ કરવાનું ષડયંત્ર છે.
 • ઉમરેઠમાં મુસ્લિમ બિરાદરોએ શાંતિપૂર્ણ તાજીયા જૂલૂસ નિકાળી મહોરમ પર્વની ભક્તિભેર ઉજવણી કરી હતી.
 • ઉમરેઠ પાસે ઓડ ગામમાં સૂર્ય પરિવાર દ્વારા શ્રીનાથજી ચારિત્રામૃત કથાનું આયોજન તા.૧૭.૧૨.૨૦૧૧ થી ૨૩.૧૨.૨૦૧૧ સુધી કરવામાં આવેલ છે. ધર્મપ્રેમિ જનતાને આ કથાનો લાભ લેવા જાહેર આમંત્રણ છે. કથા સ્થળ – સૂર્ય કૃપા , ચા રસ્તા પાસે – ઓડ કથા સમય બપોરે ૩ કલાકે.

ઉમરેઠની નવા-જૂની સાથે મારી બકબક ફ્રી…ફ્રી…ફ્રી…!


 • ઉમરેઠના મેલડી માતાના મંદિરે રવીવારે બધા હાથથી પુરી તળીને તાવળીની બહાર કાઢે છે તેવું શાંભળ્યું હતું , પણ ગયા રવિવારે જોયું પણ ખરું મેં પણ તેવું કરવા હિંમત ભેગી કરી પણ…ફાટી… ખરેખર નજરે જોયું પણ હજૂ પણ વિશ્વાસ નથી આવતો આ રવિવારે ફરી જોવા જવું પડશે.
 • નગરપાલિકાની બોર્ડની બેઠકમાં ભાજપના અસંતુષ્ટ સભ્યો અને મોવડી મંડળ સાથે કાંઈ ફિક્સ થયું લાગે છે , કારણ કે અસંતુષ્ટ સભ્યોને પણ વિવિધ કમીટીમાં સ્થાન મળ્યું છે.
 • અસંતુષ્ટ સભ્યોના નેતાને કોઈ પણ કમિટિમાં સ્થાન ન મળતા અસમંજસ ભરી સ્થિતી પેદા થઈ છે, કારણે કે કેપ્ટન બહાર અને ખેલાડીઓ અંદર થઈ ગયા છે.
 • ઓડ માર્ગ ઉપર ઓવર બ્રીજનું કામ શરૂ થઈ ગયું છે, જે અંતિમ તબક્કામાં છે. ગણતરીના દિવસોમાં ઓવર બ્રીજ ખુલ્લે મુકાય તો નવાઈ નહી.
 • થોડા દિવસ પહેલા ઉમરેઠ મત વિસ્તારના સંસદ સભ્ય ભરતસિંહ સોલંકી ઉમરેઠની મુલાકાતે આવ્યા હતા. દર વખતની જેમ આ વખતે પણ તેમને મેં વડોદરા અને અમદાવાદ સુધી ઉમરેઠથી ટ્રેન શરૂ કરવા આવેદન કરતો પત્ર પાઠવ્યો.
 • “આપણું ઉમરૅઠ” બ્લોગના તમામ વાંચકોને વિનંતી કે ફેબ્રુઆરી માસ પહેલા આપણા સંસદ સભ્યને તેમના બોરસદના નિવાસ સ્થાને પત્ર લખી મોકલો અને તેમા ઉમરેઠ થી અમદાવાદ અને વડોદરા સુધી રેલ્વે સેવા શરૂ કરવા આવેદન કરો. તેમનું સરનામું ગુગલ પરથી સર્ચ કરી મેળવી લો…

થોડી બકબક..

 • ફરી એવો સમય આવી ગય છે કે જ્યારે ઘર કરતા વાડીમાં વધારે ખાવાનો વારો આવે છે. આમ પણ આપણા ઉમરેઠમાં વાડીમાં ખાવાનું તો ચાલુ ને ચાલું જ… કાલે તો ડાકોરના ઠાકોરનો પ્રસાદ “રાજભોગ” ખાવાનો લાહ્વો મળશે.
 • ગરમીને બાય અને ઠંડીને હાય..હવે પંખાને આરામ આપવાનો વિચાર છે, ગરમ કપડા હવે માળીયેથી ઉતારવા પડશે તેવું લાગે છે.
 • ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જીમમાં એક બે મહીના આટો મારવાનો વિચાર છે, પણ દિલ હૈ કી માનતા હી નહી…!
 • જામફળ, શિંગોડા ખાવાની મઝા આવે આવે છે. રાત્રે ખાધા પછી જામફળ ખાવાની મઝા જ કાંઈ ઓર છે.

ઉમરેઠની નવા જૂની


 • દિવાળી અને નવા વર્ષ પછી રજાઓના મુળ પછી લોકો કામ ધંધે લાગી ગયા છે. ઉમરૅઠમાં બજારો હવે રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. સોમવારે લાભ પાંચમ હોવાને કારણે બપોર સુધી બજારો ખુલ્યા હતા.
 • આ વર્ષે દિવાળીમાં પ્રમાણમાં દારૂખાનું ઓછું ફુટ્યું. લાગે છે કે, લોકોને મોઘવારી નડી અથવા તો પર્યાવરણને લઈ લોકો જાગૃત થઈ ગયા છે. છતા પણ બજારમાં ચાયનીઝ દારૂખાનાની ભારે બોલબાલા રહી.
 • બેસતા વર્ષના દિવસે પરોઢીયે પહેલા “સબરસ” કરવા કેટલાય બાળકો આવતા હતા. હવે ધીમે ધીમે “સબરસ” પ્રથા નામશેષ થવા લાગી છે. આ વર્ષે માત્ર એક જ “સબરસ”ની બૂમ શાંભળવા મળી. (સવારે પાંચ વાગે જાગી ગયો હતો છતા પણ….) (સબરસ એટલે શું વધુ માહિતી માટે અહિયા ક્લિક કરો.)
 • નવા વર્ષમાં ઉમરેઠ પોલીસ ફોર્મ માં આવી ગઈ છે. બજારમાં પેસેન્જર રીક્ષા ચાલકો સામે વાઘ બની જાય છે, બજારમાં કોઈ રીક્ષા રસ્તા વચ્ચે કારણસર ઉભી યોય તો રૂ.૨૦૦નો દંડ ફટકારી દે છે.. પણ બસ સ્ટેશન સામે હજ્જારોની સંખ્યામાં છકડા મનમાની કરે તો પોલીસ દાદા બકરી બની જાય છે ત્યાં ટેટી પણ ફુટતી નથી…! ભાઈ હપ્તા રાજ નો કમાલ છે.
 • નવા વર્ષમાં મૂળ ઉમરેઠના હાલમાં બહાર રહેતા કેટલાક લોકો મળ્યા ” આપણું ઉમરેઠ બ્લોગ અંગે તેઓના પ્રતિભાવ મૈખિક આપ્યા, જાણી આનંદ થયો લોકોને બ્લોગમાં રસ છે અને તેઓ નિયમિત વાંચે છે.
 • ઉમરેઠ નગરપાલિકામાં આંતરીક વિગ્રહ ચરમ સીમાએ પહોંચી ગયો છે. ઉમરૅઠ શહેર ભાજપ પ્રમુખ પદેથી પાલિકાના એક સભ્યને દૂર કર્યા પછી હવે પાલિકામાં વિકાસના કામોમાં હાડકા નાખનાર સભ્ય સામે ગેર શિસ્તના પગલા સહીત પક્ષમાં થી પણ આવા સભ્યોને દૂર કરવામાં ભાજપનું મોવડી મંડળ ખચકાશે નહી તેવી ચર્ચા થઈ રહી છે.
 • સત્તાપક્ષ કહે છે કેટલાક સત્તાપક્ષના સભ્યો જ વિકાસના કામમાં હાડકા નાખે છે..! પણ આ વિકાસના કામો સભ્યો પોતાના વિકાસ માટે કરે છે કે ગામના વિકાસ માટે તે ચિત્ર હજૂ નગરજનો માટે સારી રીતે સ્પષ્ટ કરવું જરૂરી હોય તેમ લાગે છે. પ્રજાતો તેવું જ સમજે છે બધા “ખાવા” માટૅ ઝગડે છે..!
 • …અને હા એક છેલ્લે ખાનગી વાત તા.૩૧.૧૨.૨૦૧૧ થી ૮.૧.૨૦૧૧ સુધી મોરારી બાપુની કથામા મોદીજી… અરે..હા  આપણા નરેન્દ્રભાઈ મોદીજી ઉમરેઠમાં આંટો મારે તો અચંબામાં ન મુકાશો જો આપણું નસિબ સારું હશે તો તે વખતે ઉમરેઠ ઓડ માર્ગ ઉપરનો સાત વર્ષથી બનતો ઓવર બ્રીજ પણ ખુલ્લે મુકાઈ જશે.. પણ હજૂ આ શેખચલ્લી જેવો જ વિચાર છે, તે પણ ના ભુલતા..!
 • ચાલો ત્યારે અત્યારે બસ આટલું જ બાકી ની પટલાઈ ફરી ક્યારેક..

ઉમરેઠની નવા-જૂની. – બ્લોગ અપડેટ્સ


 • ઉમરેઠમાં અત્યારે all iz well… છે, તેમ કહીયે તો ખોટું નથી. બધુ શાંતિથી ચાલી રહ્યું છે, કેટલીક માળખાગત સુવિધાઓને લઈ નગરજનો પરેશાન છે પણ હવે આ બધુ જિંદગીનો એક ભાગ થઈ ગયું છે.
 • ઉમરેઠના માજી ધારાસભ્ય અને ગુજરાતના માજી આરોગ્ય પ્રધાન તેવા સુભાષભાઈ શેલત હવે ફેશબુકમાં આવી ગયા છે, તેમનું ફેશબુક એકાઊન્ટ જોવા તમારું ફેશબુક એકાઊન્ટ ઓપન કરી અહિયા ક્લીક કરો.
 • નવરાત્રિ , દશેરા આવ્યા ને ગયા પણ ખરા, હવે દિવાળી બાજૂ ડોકાચિયા શરૂ થઈ ગયા છે, ખરેખર દિવસો મેટ્રો ટ્રેનની જેમ જ જોરદાર સ્પીડ થી પસાર થઈ જાય છે, તેમા પણ રવીવાર તો જાણે ૧૨ કલાક માંજ પુરો થઈ જતો હોય તેમ લાગે છે.
 • કેટલાય મૂળ ઉમરૅઠના લોકો જ્યારે વર્ષો પછી ઉમરેઠમાં આવી તેમ કહે છે કે,” ઉમરૅઠ ત્યાંનું ત્યાં રહ્યું કોઈ વિકાસ નહી.. ત્યારે ખુબ દુઃખ થાય છે. ખરેખર ઉમરૅઠ ત્યાં નું ત્યાં હોય તો ઉમરૅઠ બહાર જઈ વિકાસ પામેલા નાગરિકો ઉમરૅઠના વિકાસ માટે તેઓએ શું કર્યું..? પોતાના વતનનું ઋણ તેઓએ ચુકવ્યું છે કે નહી..? તે અંગે મનોમંથન કરવાની જરૂર છે.
 • તાજેતરમાં “ડીવાઈન વિઝન ગૃપ” – ગાંધીનગર ધ્યાનમાં આવ્યું, ગાંધીનગરના આ ગૃપ દ્વારા નિયમિત સમયાંતરે જરૂરિયાતમંદ લોકો માટે સેવાયજ્ઞ ઉમરેઠમાં કરવામાં આવે છે. તેઓ ગરીબોને કપડા-પગરખાં અને ભોજન આપી અનોખી રીતે સેવા કરે છે. કદાચ આ ગૃપમાં મૂળ ઉમરૅઠના કાર્યકરો પણ હોવાનું કહેવાઈ રહ્યું છે.
 • “આપણું ઉમરૅઠ” ઉમરૅઠ બ્લોગના વાંચક કૃષિલ પટેલ દ્વારા સુચન મળ્યું કે, બ્લોગમાં એક નોંધ બનાવવામાં આવે અને મૂળ ઉમરેઠના લોકો અત્યારે કયા દેશમાં કયા શહેરમાં છે તેનો ઉલ્લેખ કરે. આ સિવાય અન્ય એક વાંચક દ્વારા બ્લોગમાં મેટ્રીમોનીયલ વિભાગ પણ ઉમેરવામાં આવે તેવું સુચણ મળેલ છે. ભવિષ્યમાં આ બંન્ને સુચણોનો અમલ થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય આ સુચણ અંગે અન્ય લોકો પોતાના વિચાર રજૂ કરી શકે છે.
 • તમોને જણાવતા આનંદ થાય છે કે, “આપણું ઉમરૅઠ” બ્લોગમાં 75 followers થઈ ગયા છે. છેલ્લા પંદર દિવસથી followersની સંખ્યા સારી વધી છે. “આપણું ઉમરેઠ” બ્લોગમાં કોમેન્ટો પણ ૭૦૦ના આંકડાને પાર કરી ગઈ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ કોમેન્ટ પંકજભાઈ શાહ, વડોદરા ત્યાર બાદ અનુક્રમે હાર્દિકભાઈ ગજ્જર , દિલીપભાઈ સુત્તરીયા અને હિમાશુંભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

..બસ ત્યારે અત્યારે આટલુંજ ફરી મળીશું..વાંચતા રહો , “આપણું ઉમરૅઠ”

ઉમરેઠની નવાજૂની…


 • શોભાયાત્રા દરમ્યાન અમીછાંટ સાથે ગણેશ વિસર્જન ઉમરેઠમાં શાંતિપૂર્ણ સંપન્ન , હવે શ્રાધ્ધ અને પછી બધાની પ્યારી નવરાત્રીનું કાઊન્ટડાઊન શરૂ.
 • શ્રાધ્ધમાં પહેલા કાગવાસ કરવાની મઝા આવતી હતી, અગાશીમાં કાગળાને દૂધ અને રોટલી ખવડાવવા કા..ગ..વા…સ ની બૂમો પહેલા નાનો હતો ત્યારે બહૂ પાડી હવે હું તો શું કોઈ આવી બૂમો પાડતા શંભળાતું નથી…!
 • આ વર્ષે નવરાત્રી ઉમરેઠમાં બે જગ્યાએ થશે, એક એવરીવન્સ ફેવરેટ નાશિકવાળા હોલ અને વ્રજ વિહાર પાર્ટી પ્લોટ, લોકોને જલસા જ પડી જવાના.. ભદ્રકાળી માતાજીના મંદિર અને કાળકામાતાના મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ જામવાની..
 • વરસાદ બીજી ઈનિંગ ચાલી રહી છે, પણ ગાજતા વાદળ ગરજતા નથી ઊક્તિ ઉમરેઠ માટે તો બરાબર જ જામતી હોય તેમ લાગે છે.છતા પણ નસિબ આડે પાંદડું હશે તો નવરાત્રીમાં..નારાયણ..નારાયણ…
 • નવા-ટુટેલા ફુટેલા રસ્તા ઉપર ચાલવાની મજા લેવી હોય તો ઉમરેઠ થી ઉત્તમ કોઈ સ્થાન નથી. ગામમાં તો ઠીક ઉમરેઠ લીંગડા માર્ગની હાલત તો ડુંગર પ્રદેશ થી પણ ખરાબ થઈ ગઈ છે.
 • બેંક ઓફ બરોડાની ઉમરેઠ બ્રાંન્ચનો ચેક કોઈ’ દિવસ હાથમાં આવે તો જોજો..હિન્દીમાં ઉમરેઠ (उम्रेट) કેવી રીતે તેઓએ લખ્યું છે…? બેંક ઓફ બરોડાવાળાનું હિન્દી મારા ગુજરાતી જેવું જ છે.

ઉમરેઠની નવા-જૂની


 • ઉમરેઠમાં આજે અન્નાના સમર્થનમાં કેન્ડલ માર્ચનું આયોજન પંચવટીથી કરવામાં આવ્યું છે. કેન્ડલમાર્ચ નગરના વિવિધ વિસ્તારમાં ફરશે.
 • UIDAI યોજના અંતર્ગત “આધાર” પ્રોજેક્ટના આઈ.ડી.કાર્ડની કામગીરી ઉમરૅઠમાં શરૂ થઈ ગઈ છે. તમારૂં આઈ.ડી.કાર્ડ કઢાવવા માટે ચુંટણી કાર્ડની ઝેરોક્ષ, રેશનકાર્ડની ઝેરોક્ષ સાથે બજાર સમિતિના મેડા ઉપર પહોંચી જાવ. ક્યાં સુધી આ કામગીરી ચાલશે તે ખ્યાલ નથી, રવીવારે પણ આ કામગીરી ચાલું જ હોય છે.
 • ઉમરેઠમાં છેલ્લા એક અઠવાડીયાથી મેઘરાજાની અવર-જવર ચાલુ જ છે. મેઘરાજાએ ઉમરેઠમાં તાજેતરમાં નવા બનેલા રસ્તાની પોલ ખોલી નાખી છે. નગરના વાંટા-કસ્બા વિસ્તારમાં રસ્તા બહાર સળીયા આવી ગયા હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે.
%d bloggers like this: